માતાના મઢ જવા નીકળેલા વડોદરાના યુવકે સેવા કેમ્પમાં કરી આત્મહત્યા, કારણ અકબંધ
હઠીસિંહ પરમારે ધાણેટી ગામ નજીક સેવા કેમ્પમાં જાતે જ છરીના ઘા મારી આપઘાત કર્યો

લખપત, કચ્છઃ લખપત તાલુકાના માતાનો મઢ ખાતે આવેલા આશાપુરા મંદિરના દર્શન કરવા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યાં છે. આ દરમિયાન આણંદથી માતાના મઢ નીકળેલા વડોદરાના 33 વર્ષીય પરમાર હઠીસિંહ રંગીતસિંહ નામના યુવકે કોઈ અજ્ઞાત કારણોસર સેવા કેમ્પમાં જ પોતાને છરીના ઊંડા ઘા મારી આપઘાત કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાના કારણે પંથકમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
ધાણેટી ગામ પાસે આવેલા સેવા કેમ્પમાં કરી આત્મહત્યા
આ ઘટના અંગે ભુજની જીકે જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાંથી ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. મૃતક હઠીસિંહ આણંદના ખોરવાડથી ટેમ્પો લઈને માતાના મઢ જવા નીકળ્યો હતો. દરમિયાન તે ભુજના ધાણેટી ગામ પાસે આવેલા સેવા કેમ્પમાં રોકાયો હતો. અહીં અચાનક તેણે સેંકડો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે કોઈ અગમ્ય કારણે પોતાની જાતે જ તીક્ષ્ણ છરી વડે ગળા પર ઘા ઝીંક્યા હતા. જાતે જ આત્મહત્યા કરી લેતા શ્રદ્ધાળુઓ ચોંકી ગયાં હતાં.
આખરે શા માટે આ વ્યક્તિએ આત્મહત્યા કરી?
અહીં હાજર લોકોએ સત્વરે આ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મરનારે કયા કારણે આ પગલું ભર્યું? તે જાણવા સહિતની પદ્ધર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોતાના ઘરથી આટલે દૂર આ વ્યક્તિએ શા માટે પોતાની જીવનલીલા સંકેલી લીધી? તે હજી એક પ્રશ્ન છે. આત્મહત્યા એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. આવો કોઈ વિચાર આવે તો પોતાના મિત્રો, પરિવાર કે કોઈ સંસ્થા સાથે વાત કરવી જોઈએ. કારણ કે જ્યારે કોઈ આત્મહત્યા કરે છે ત્યાર બાદ તેના પરિવારની હાલત ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે. અત્યારે આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી દીધી છે.
આપણ વાંચો: નવરાત્રિના 9 દિવસ પોલીસની ખાસ ડ્રાઈવ ચાલશે, કાળા કાચ કે નંબર વગરની ગાડી પર લાગશે લોક
નોંધઃ આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વસ્થતા માટે નિષ્ણાતોની સલાહ લઈ શકો છો.
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com