કચ્છમાં 105 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ…

કચ્છઃ દેશભરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવાના કારણે સાયબર ઠગાઈનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કચ્છ પણ સાયબર છેતરપિંડીનું એપિસેન્ટર બની રહ્યું છે.દેશભરમાં આચરાયેલા જુદા-જુદા સાયબર અપરાધોની તપાસનો રેલો ભુજ સુધી પહોંચતા અહીંની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પશ્ચિમ કચ્છ-ભુજ સાયબર ક્રાઈમ સેલે રૂપિયા 105 કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો હતો. સાયબર ક્રાઈમ સેલે 29 વર્ષીય ખાનગી બેંક કર્મચારી શુભમ ડાભીની ધરપકડ કરી હતી, જે કથિત રીતે આ સમગ્ર રેકેટ ચલાવતો હતો. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ અન્ય આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. તેમની પૂછપરછ બાદ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
આંતરરાજ્ય સાયબર ઠગાઈનો પોલીસે પર્દાફાશ કર્યો
મળતી વિગત મુજબ, ભુજની એક ખાનગી બેંકના ખાતામાં ગત એક વર્ષ દરમિયાન ભારતના અલગ-અલગ રાજ્યોમાં આચરવામાં આવેલી સાયબર ઠગી દ્વારા મેળવાયેલા 105 કરોડ રૂપિયાથી વધુની રકમ ભુજની એક ખાનગી બેંકના ખાતામાં જમા થયા હોવાનું અને એ તમામ રૂપિયા ઠગો દ્વારા ઉપાડી લેવાયા હોવાનું સમન્વય પોર્ટલની મદદથી મ્યુલ એકાઉન્ટની તપાસ કરવલામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું.
ક્રિષ્ના ટ્રેડર્સ નામની બોગસ પેઢી બનાવી હતી
એલસીબી પાસેથી આ અંગે મળેલી સત્તાવાર માહિતી પ્રમાણે, શુભમ હરિહર ડાભી (રહે. સાગરસિટી, મુંદરા રોડ, ભુજ) નામનો 29 વર્ષીય આરોપી અને જિગર મહેન્દ્ર પરગડુ (રહે. છાડુરા, તા. અબડાસા)એ ક્રિષ્ના ટ્રેડર્સ નામની બોગસ પેઢી બનાવી હતી. આ પેઢીનું સરનામું સવાયા ફળિયાં ભુજ બનાવી, તેનો સિક્કો બનાવી, ઉદ્યમમાંથી સર્ટિફિકેટ મેળવીને ભુજની આર.ટી.ઓ વિસ્તારમાં આવેલી એચડીએફસી બેંકની શાખામાં નોકરી કરતા ભાવિક નામના કર્મચારીની મદદથી ક્રિષ્ના ટ્રેડર્સના નામનું બચત ખાતું ગત તારીખ 09/12/2024ના રોજ ખોલાવ્યું હતું.
આ પણ વાંચો…ગુજરાતમાં 5 વર્ષમાં સાયબર ક્રાઈમ 30 ટકા વધ્યો, 9 મહિનામાં 1011 કરોડની ઠગાઈ…
બોગસ પેઢીના ખાતાંમાં કુલ રૂપિયા 01,05,12,52,826 જમા થયા
આ ખાતું ખોલ્યાના માત્ર બાવીસ જ દિવસમાં જ રૂપિયા 13,49,46,781 તથા તારીખ 04/09/2025 સુધીમાં રૂપિયા 91,63,06,045 જેટલી માતબર રકમનું ટ્રાન્ઝેકશન થયું હતું. આ બોગસ પેઢીના ખાતાંમાં કુલ રૂપિયા 01,05,12,52,826 જમા થયા, જે પૈકી મહત્તમ રકમનો ઉપાડ જીગરે સહી કરેલા ચેકથી થયો હતો અને તેને કમિશન પેટે રૂપિયા 30,000 મળ્યા હતા. શુભમ હરિહર ડાભીના બેંક ખાતાની વધુ તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હી, ગુજરાત, હરિયાણા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને ઝારખંડ સહિત ભારતના વિવિધ રાજ્યોમાં તેની વિરુદ્ધ આશરે 40 ફરિયાદો નોંધાઈ હતી.
આરોપી સામે કુલ 40 ફરિયાદો નોંધાયેલી છે
પશ્ચિમ કચ્છ જિલ્લાની એલસીબીના સાયબર સેલે સમન્વય પોર્ટલ પર મ્યુલ બેન્ક એકાઉન્ટની તપાસ કરતાં ઉપરોકત એકાઉન્ટ સામે આવતાં ડિજિટલ ફૂટપ્રિન્ટથી પગેરું દબાવ્યું હતું. આ એકાઉન્ટ સામે દેશભરના અલગ-અલગ રાજ્યમાં કુલ 40 જેટલી ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદો દાખલ થયેલી છે, જેની વિગતો પણ એલસીબીએ આજે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં ઉમેરી છે. આરોપી શુભમ, જિગર અને એચડીએફસી બેંકની આર.ટી.ઓ શાખાનો કર્મચારી ભાવિક તથા તપાસમાં જે વ્યક્તિનું નામ નીકળ્યું તે તમામ સામે બી-ડિવિઝન પોલીસે આઇ.ટી. એક્ટ તથા અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપી શુભમને એલસીબીએ બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.



