યુવતી સાથે આડાસંબંધની શંકાએ યુવકની સરાજાહેર હત્યા, રાપર પોલીસે દોડતી થઈ…

રાપરઃ કચ્છમાં છેલ્લા 15 દિવસમાં હત્યાનો ત્રીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કચ્છના રાપરમાં મેળામાં માણી રહેલા એક યુવકની ધારદાર હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવાતાં પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે યુવતી સાથે આડાસંબંધની શંકાએ યુવકની હત્યા કરી દેવામાં આવી છે. જો કે, સમગ્ર હકીકત શું છે અને શા કારણે યુવકની હત્યા કરવામાં આવી? તે મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
19 વર્ષીય નરેશ સામા કોળી નામના યુવકની જાહેરમાં હત્યા
રાપર યુવક હત્યા કેસમાં રાપર પોલીસ મથકના પી.આઈ જેબી બુબડિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાપર તાલુકાના કારુડા ગામે રાજબાઇના મંદિરે યોજાયેલા વાર્ષિક મેળામાં ફરી રહેલા 19 વર્ષીય નરેશ સામા કોળીની હત્યા કરવામાં આવી છે.
રાપરના મોમાંય વાંઢ વિસ્તારમાં રહેતા યુવકની આડાસંબંધની આશંકાએ એક યુવતીના કાકાએ ધારદાર હથિયારના સેંકડો ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. ફરાર આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યાં છે.
છેલ્લા 15 દિવસમાં કચ્છમાં ત્રણ હત્યાની ઘટના બની
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ત્રણથી ચાર દિવસ પહેલા ભચાઉના નંદગામ નજીક શ્રમિકની પણ હત્યા કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ થોડા દિવસ પહેલા ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજ પાસે એક તરફી પ્રેમીએ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનું છરી વડે ગળું કાપીને જાહેરમાં હત્યા કરી હતી. કચ્છ જેવા સરહદી વિસ્તારમાં ટૂંકાગાળામાં ત્રણ-ત્રણ હત્યાઓથી ચકચાર પ્રસરી છે. કચ્છમાં હત્યાની સતત વધી ઘટનાઓ કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ કરી રહી છે.
આ પણ વાંચો…ભુજના સાક્ષી હત્યા કેસમાં સહ આરોપી યુવકની ધરપકડ, તપાસ શરુ…