કચ્છમાં કરૂણા અભિયાન: જાણો પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની કેવી રીતે થશે સારવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ઉત્સાહ અને ઉમંગના પર્વ ઉતરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. કચ્છની બજારોમાં અવનવા પતંગો તથા દોરાની વેરાયટી જોવા મળી રહી છે. ત્યારે પતંગના ધારદાર દોરાથી ઇજાગ્રસ્ત થતા પક્ષીઓ માટે રાજ્ય સરકાર આગામી દસ દિવસ માટે કરૂણા અભિયાન ચલાવવા માટે સજ્જ થઈ ગઈ છે. કરુણા અભિયાન અંતર્ગત કેવું આયોજન કરવામાં આવ્યું છે? એ અંગે કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક આયુષ વર્માએ માહિતી આપી છે.
10 જાન્યુઆરીથી શરૂ થશે કંટ્રોલ રૂમ
નાયબ વન સંરક્ષક આયુષ વર્માએ જણાવ્યું હતું કે, ધારદાર પતંગની દોરને કારણે ઇજાગ્રસ્ત થયેલાં પક્ષીઓની સુશ્રુષા માટે તાલુકા કક્ષાએ 16થી વધારે કલેકશન સેન્ટર તથા સારવાર કેન્દ્રો કાર્યરત કરાશે. તેમાં સામાજિક સંસ્થા અને યુવાનો પણ સહયોગમાં જોડાશે. આગામી 10મી જાન્યુઆરીથી એક ખાસ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમ દ્વારા આ કંટ્રોલ રૂમનો નંબર લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આયુષ વર્માએ આગળ જણાવ્યું હતું કે, વનવિભાગ, વેટરનરી ડોક્ટર્સ, એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને 500થી વધારે લોકોની ટીમ કરૂણા અભિયાન અંતર્ગત પતંગના દોરાથી ઘાયલ થયેલાં પક્ષીઓના જીવ બચાવવાનો પ્રયાસ કરશે. મોબાઈલ મેડીકલ કીટથી ઘાયલ પક્ષીને ઘટનાસ્થળે તેમજ કલેક્શન સેન્ટરના રૂટ દરમિયાન જ સારવાર આપી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ વન વિભાગ ઊભી કરશે. ભુજમાં ચાર સ્થળે ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર આપવા માટે કલેકશન સેન્ટરો ઊભાં કરવામાં આવશે, ઉપરાંત પતંગોત્સવ યોજાવાનો હોવાથી બે કલેકશન સેન્ટર પ્રાચીન નગર ધોળાવીરા ખાતે પણ શરૂ કરવામાં આવશે.
પશુ દવાખાનામાં અપાશે સારવાર
અત્યારથી જ સમગ્ર કચ્છમાં કુલ 13 જેટલાં સારવાર કેન્દ્રો શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેમાં ભુજ ખાતે સુપાશ્વ જૈન સંસ્થા સંચાલિત પશુ દવાખાનું, સરકારી પશુ દવાખાનું ભુજ તેમજ મુંદરા, અંજાર, ગાંધીધામ, નખત્રાણા, લખપત,માંડવી, નલીયા, ભચાઉ, રાપર તથા ભીમાસરના સરકારી પશુ દવાખાનામાં સારવાર અપાશે. તમામ કલેકશન સેન્ટર ઉપર વન વિભાગના સ્ટાફને ફરજ સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નાયબ પશુપાલન નિયામક દ્વારા તાલુકા કક્ષાએ કુલ 15 પશુ ચિકિત્સક અધિકારીઓ તથા 21 બિન સરકારી સંસ્થાઓના સ્વયંસેવકો દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે. આગામી 10મીથી 20મી જાન્યુઆરી સુધી ચાલનારા આ કરુણા અભિયાન અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે પ્રચાર માટે તંત્ર દ્વારા સાહિત્યનું વિતરણ, જાહેર સ્થળોએ બેનર લગાવવા તથા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે. રાજયના તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતા ઓનલાઇન મેપની લિંક સ્વયં સંચાલિત વાઇલ્ડલાઇફ હેલ્પલાઇન નંબર 8320002000 પર વોટસએપ મેસેન્જર દ્વારા “KARUNA” લખી મોકલ્યા બાદ મેસેજમાં મળી શકશે.



