કચ્છમાં વીજ વિભાગની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ, ભુજ સર્કલમાં 4.67 કરોડના ઉઘરાણાં બાકી નીકળ્યાં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: વારંવારના વીજ વિક્ષેપ તેમજ લો-હાઈ વોલ્ટેજની વકરી રહેલી સમસ્યા વચ્ચે વીજ તંત્ર દ્વારા શરૂ કરાયેલી રાજ્યવ્યાપી ‘મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ’ અંતર્ગત તાજેતરમાં પૂર્વ કચ્છના ભચાઉ સામખિયાળી,ગાંધીધામ, આદિપુર, રામબાગ, મેઘપર તથા અંજાર પેટા વિભાગીય કચેરીઓના વિસ્તારમાં, 648 જેટલા બાકીદારોના વીજ જોડાણોને કાપવામાં આવ્યા હોવાની સાથે રૂપિયા 02.26 કરોડની વસુલાત કરવામાં આવ્યા બાદ, ભુજ સર્કલમાં આ ડિસ્કનેક્શન ડ્રાઈવ આગળ વધી છે.
બિલને વસૂલવા 110 જેટલા વીજ જોડાણો ઝાટકે કટ
ખાસ કરીને વાત કરવામાં આવે તો, રૂપિયા 04.67 કરોડના બાકી નીકળતા વીજ બિલને વસૂલવા માટે 110 જેટલા વીજ જોડાણોને એક ઝાટકે કટ કરી દેતાં લાંબા સમયથી સમયસર બિલનું ચુકવણું ન કરનારા ગ્રાહકોમાં ફફડાટ પ્રસર્યો હતો. ભુજ સર્કલ વિસ્તારમા વીજતંત્રની બહારની અને સ્થાનિક કર્મીઓની ટુકડી દ્વારા ૧૧૦ જેટલા બાકીદારોના રહેણાંક અને વાણિજ્યિક વીજ કનેક્શનને ત્વરિત ડિસકનેક્ટ કરી દેવામાં આવ્યાં હતાં. હાલ આ મેગા ડ્રાઈવ હેઠળ ઉદ્યોગો તથા કોમર્શિયલ વીજ જોડાણ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, આગામી સમયમાં ખેતીવાડી અને રહેણાક પ્રકારના વીજ જોડાણો ધરાવતા, લાંબા સમયથી વીજબિલ ભરપાઈ ન કરનાર ગ્રાહકો વિરુદ્ધ કાર્યવાહી આદરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.
હવે પુન: વીજ-જોડાણ ક્યારે કરવામાં આવશે?
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જે ગ્રાહકોના વીજ કનેક્શનો કાપવામાં આવ્યા છે, તેમણે કેવાયસી માટે મિલકત આધાર-પુરાવા તથા ભરવાપાત્ર સિક્યુરિટી ડિપોઝિટ તેમજ રિ-કનેક્શન ચાર્જ ભરવામાં આવશે તે પછી જ પુન: વીજ-જોડાણ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. બાકીદારોએ પોતાના વીજ જોડાણ કાપવાથી બચવા માટે તાત્કાલિક વીજ બિલના લેણા ભરી દેવા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.



