
કચ્છઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના સરહદી વિસ્તોરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અબડાસાની નાની ધ્રુફી ગામ નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. ખાનાય ગામની સીમમાંથી કાટમાળ મળ્યો હતો. કચ્છ કલેકટર દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લોકોને ઘરની અંદર જ રહેવા જણાવાયું હતું.
કલેકટર અને ડીએમ, કચ્છની સોશિયલ મીડિયા પોસ્ટ પ્રમાણે, તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.
ભારત પાકિસ્તાન વચ્ચેનાં તણાવને પગલે પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં શુક્રવારે રાત્રે બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા કલેકટરના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક સૂચના જાહેર કરવામાં આવી હતી. જે મુજબ સમગ્ર જિલ્લામાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જ્યાં સુધી આગળની કોઈ સૂચના ન મળે ત્યાં સુધી આ બ્લેકઆઉટ અમલમાં રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ર બનાસકાંઠામાં પણ બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સૂઈગામ અને વાવ તાલુકાનાં તમામ ગામોમાં તકેદારીના ભાગરૂપે આજરોજ બ્લેકઆઉટ કરવાની સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રએ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જમ્મુથી લઈને પશ્ચિમમાં કચ્છ બોર્ડર સુધી ડ્રોન અને હવાઈ હુમલાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. સુરક્ષાની સ્થિતિને ધ્યાને લઈને ગુજરાત સહિત સરહદી રાજ્યોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો…ગુજરાતમાં સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તોડવાની નાપાક કોશિશ, 4 લોકો સામે ફરિયાદ