નલિયા 6 ડિગ્રી સાથે ઠીંગરાયું: મકરસંક્રાંતિ પહેલા આખું કચ્છ શીતાગારમાં ફેરવાયું…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: મકરસંક્રાંતિના પર્વ ટાંકણે કચ્છભરમાં લોકોને પતંગ ઉડાડવા ધાબા પર કેમ જવું તેની ચિંતા સતાવી રહી છે કારણ કે ઠંડીએ સમગ્ર કચ્છને શીતાગારમાં પરિવર્તિત કરી દીધું છે. આજે કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે લઘુતમ તાપમાનનો આંક 6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. તો રાજનગર ભુજના લોકોએ પણ આજે ઠંડો દિવસ અનુભવ્યો હતો અને તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
નલિયા ઉપરાંત દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી,બંદરીય શહેર માંડવી ખાતે 11 ડિગ્રી સે.તાપમાન નોંધાયું હતું તો બીજી તરફ કચ્છના સંત્રી સમા ખાવડા પાસેના કાળા ડુંગર આસપાસના સરહદી વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જતા આ રણપ્રદેશને જાણે કાતિલ ઠંડીએ ભરડામાં લીધો છે. તેવી જ રીતે કચ્છની ઓળખ સમા ભાતીગળ બન્ની પ્રદેશના ગામોમાં પણ ઠંડીએ બોકાસો બોલાવતા પશુ પાલકોને ભારે ઠંડીનો સામનો કરી રહેવો પડી રહ્યો છે.
આ ઉપરાંત ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિસીમાં આસપાસ આવેલી સરહદી સલામતી દળની બોર્ડર આઉટ પોસ્ટ પર ફરજ પર મુકાયેલા જવાનોને ઠંડીએ પરેશાન કર્યા છે. જમ્મુ કાશ્મીર,ઉત્તરાખંડ અને સમગ્ર ઉત્તર ભારતમાં થઇ રહેલી ભારે હિમવર્ષાને કારણે સતત વધી રહેલી ઠંડીના લીધે લોકોને ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇને રહેવું પડી રહ્યું છે.
કચ્છના મોટાભાગના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ટાઢોડું તીવ્ર બનતાં લોકોએ વિના કારણે બાહર જવાનું ટાળ્યું છે. ઠંડીની અસર ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને કરવાની થતી તલ-સાંકડી,ઊંધિયું,પતંગ-દોરી સહિતની ચીજ-વસ્તુઓની ખરીદી પર પડી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન; આ રાજ્યોમાં વરસાદની શક્યતા…


