‘કાલથી કામ પર ન આવતા’: કચ્છમાં આ કંપનીએ એક સાથે ૬૦૦ જેટલા કામદારોને રાતોરાત છુટા કરી દીધા!

ભુજઃ જિંદાલ સો-પાઇપ કંપનીના સરહદી કચ્છના બંદરીય મુંદરા તાલુકાના સમાઘોઘા ગામમાં કાર્યરત એકમમાં વર્ષોથી ફરજ બજાવતા ૬૦૦ જેટલા કામદારોને એક ઝાટકે ઘરભેગા કરી દેતાં રોષે ભરાયેલા કામદારોએ એકમના ગેટ સામે એકત્ર થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઉગ્ર બનેલા આ મામલાને ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે માંડ થાળે પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, જિંદાલ સો-પાઇપ કંપનીના બે યુનિટ કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા હોઈ, ગત રવિવારની મોડી રાત્રે અહીં વર્ષોથી ફરજ બજાવી રહેલા ૬૦૦થી વધારે કામદારોને એસએમએસ મારફતે તત્કાળ ફરજ મુક્તિનો સંદેશો કરી દેવાયો હતો.
બીજા દિવસે વહેલી સવારે શ્રમિકો એકમના મુખ્ય ગેટમાં પોતાના અંગુઠા વડે ‘પંચ’ કરતાં તેમનો કોડ લોક કરી દેવામાં આવ્યો હતો. જોત જોતામાં વિફરેલા શ્રમિકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને સુત્રોચાર થવા માંડતા આ કંપનીના કર્તાધર્તાઓએ મુંદરા પોલીસને જાણ કરતાં લાવ લશ્કર સાથે પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને માંડ મામલાને શાંત પાડ્યો હતો.
છૂટા કરાયેલા કામદારના જણાવ્યા અનુસાર આ કંપનીના કુલ ૧૨૬૦ જેટલા કામદારો કામ કરતા હતા, જેમાંથી આગોતરી જાણકારી વિના માત્ર એસ.એમ.એસ મોકલાવીને ૬૦૦ જેટલા મુંદરાના સમાઘોઘા, ભુજના ભુજપુર, બરાયા ઉપરાંત મોટા પ્રમાણમાં ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડના માસિક ૧૫૦૦૦ના વેતનમાં કામ કરતા શ્રમિકોને છૂટા કરી દેવાયા હોવાનું રડતા અવાજે કામદારે ઉમેર્યું હતું.
આ પણ વાંચો…કચ્છમાં પકડાયેલા 15 પાકિસ્તાની માછીમારોનો ઈરાદો શું છેઃ સુરક્ષા એજન્સી કરશે સઘન તપાસ