અષાઢી બીજ પહેલા કચ્છમાં મેઘરાજાની વધામણી; લોકોમાં આનંદની લાગણી

ભુજ: કચ્છી નવા વર્ષ અષાઢી બીજની આડે દસ દિવસ બાકી છે, ત્યારે કચ્છભરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે, વરસાદ વરસતા જિલ્લાભરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. સોમવાર રાતથી જ કચ્છમાં વરસાદ શરુ થયો હતો, વીજ લીસોટાઓ અને ડરામણી મેઘગર્જનાઓ સાથે કચ્છમાં વરસાદનું આગમન થયું હતું.
આજે સવારથી જ જીલ્લામાં ભારે ઉકળાટ અને વાદળછાયા માહોલ વચ્ચે કેટલાક સ્થળોએ હળવો વરસાદ નોંધાયો હતો જો કે બપોર બાદ મેઘરાજાએ કચ્છના કેટલાક વિસ્તારોમાં અંદાજે દોઢ થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો.
આ પણ વાંચો: મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: બરવાળામાં છ કલાકમાં પાંચ ઈંચ, બોટાદમાં ઇકો કાર વોકળામાં તણાઈ, 2 મૃતદેહ મળ્યા
ગાંધીધામમાં ધોધમાર વરસાદ:
દરમ્યાન, આજે કચ્છના ગાંધીધામ આસપાસના વિસ્તારોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, વરસાદને કારણે શહેરમાં ઠેર-ઠેર જળભરાવની સ્થિતિ સર્જાતાં લોકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે. અંજારમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેરભરમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. માંડવીમાં પણ અંદાજે ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, જેને પગલે લાકડાં બજારમાં પાણી ભરાયાં છે.
હમીરસર તળાવમાં નવા નીર આવ્યા:
જો કે ભુજમાં હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી અને આજે દિવસ દરમ્યાન અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જો કે ભુજના હમીરસર તળાવમાં વરસાદી પાણી આવ્યું છે. મોટા બંધન ઉપરવાસમાં લક્કી ડુંગરોની હારમાળામાં સારો વરસાદ નોંધાતાં નવાં નીર જોવા ઉમટી પડ્યા છે.
આ પણ વાંચો: મેઘરાજાએ સૌરાષ્ટ્રને બાનમાં લીધું; ગઢડામાં 14 ઇંચ વરસાદ, રાજ્યમાં મોસમનો સરેરાશ ૮% વરસાદ…
સાંજ સુધી જીલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે અને હવામાન ખાતાએ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.