ભુજઃ તાજેતરમાં ગાંધીધામ સ્થિત એક ઝવેરીની પેઢી પર નકલી ઇડીના સ્વાંગમાં કહેવાતો દરોડો પાડવાની ચોંકાવનારી ઘટનામાં સામેલ તમામ આરોપીઓને અદાલતે આજે જેલ હવાલે કરી દીધાં છે.
ગત બીજી ડિસેમ્બરના રોજ બનેલા રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા આ બનાવ સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસે બે જ દિવસમાં ગુનામાં સામેલ ૧૩ પૈકી ૧૨ આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલાં તમામ આરોપીના ૧૧ દિવસના રીમાન્ડ પૂરાં થતાં આજે તેમને ગાંધીધામ કૉર્ટમાં રજૂ કરાયાં હતાં. પોલીસે પૂછપરછ અને તપાસ પૂરી થઈ ગઈ હોવાનું જણાવી વધુ રીમાન્ડની માંગણી કરી નહોતી.
બીજી તરફ, આરોપીઓએ જામીન અરજી દાખલ કરી હતી. જો કે, કૉર્ટે તેમની અરજી ફગાવીને જેલહવાલે કર્યાં છે. આરોપીઓ સામે ઈડીનું નકલી ઓળખપત્ર બનાવવા સંદર્ભે પોલીસે ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૭, ૩૩૮, ૩૩૯નો ઉમેરો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: ગાંધીધામ ફેક ED રેડ કેસમાં પોલીસે ઘટનાસ્થળે કર્યું રિકન્સ્ટ્રક્શન; લોકો આરોપીને જોવા ચડયા…
ઘટનાને મળ્યો રાજકીય રંગ
દરમ્યાન,આ ગુનામાં પોલીસે જેને સૂત્રધાર ગણાવ્યો છે તે ભુજના અબ્દુલ સત્તાર માંજોઠીના આમ આદમી પાર્ટી સાથે કનેક્શન અને તોડના રૂપિયા તે પાર્ટીના કાર્યક્રમોમાં વાપરતો હોવાના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરેલા ટ્વીટ અને પોલીસ વડા સાગર બાગમારે આરોપીને મળેલાં ફંડની મની ટ્રેઈલ તપાસવામાં આવી રહી હોવા અંગે આપેલા નિવેદનના પગલે મચેલા હોબાળા વચ્ચે પોલીસે આ મામલે નામદાર અદાલત સમક્ષ કોઈ જ રજૂઆત કરી નહોતી તેમ સરકારી વકીલ ભગવાન પટેલે જણાવ્યું હતું.