ઈકો ઝોન મુદ્દે કૃષિ અને વન પ્રધાન સાથે ભારતીય કિસાન સંઘે કરી બેઠક, જાણો શું થઈ રજૂઆત

ગાંધીનગરઃ ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના જંગલમાં હાલ ઈકો ઝોન નથી છતાં ત્યાં રહેતા સિંહો સહિતના વન્ય પ્રાણીઓને કોઈ નુકસાન નથી તેવી રજૂઆત સાથે ગાંધીનગર ખાતે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અને વન પ્રધાન મુળુભાઈ બેરા તથા બંને વિભાગના ઉચ્ચ અધિકારીઓની ભારતીય કિસાન સંઘના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી.
કેન્દ્રમાં મોકલવામાં આવશે હકારાત્મક રિપોર્ટ
ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલી રજૂઆતની નોંધ લઈ આ કાયદા અંગે કેન્દ્રમાં હકારાત્મક રિપોર્ટ મોકલવામાં આવશે તેમ વનપ્રધાન અને પ્રભારી મંત્રીએ ખાત્રી આપી હતી.
ત્રણ જિલ્લાના જંગલ વિસ્તારમાં રહેતા સિંહ સહિતના વન્ય પ્રાણીઓને કોઈ નુકસાન થતુ નથી અને ખેડૂતો દ્વારા વન અને પર્યાવરણનું રક્ષણ થાય છે. તે છતાં પણ ત્રણ જિલ્લાના 196 ગામોને ઈકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરવા પ્રેરવી થઈ રહી છે તેવી રજૂઆત આ બેઠકમાં કરવામાં આવી હતી.
આપણ વાંચો: એનજીઓએ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનમાં ખામીઓ દર્શાવતો અહેવાલ રજૂ કર્યો
કિસાન સંઘે 13 મુદ્દાનું આવેદનપત્ર આપ્યું
આ બેઠકમાં કિસાન સંઘે 13 મુદ્દાનું આવેદનપત્ર રજૂ કર્યું હતું. જેમાં ઈકોઝોનનો કાયદો આવવાથી ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને ખેતી છોડવી પડે તેવી જોગવાઈ છે.
ખેડૂતો તથા ખેતીને નુકસાન થાય તેવા કોઈપણ કાયદા દેશમાં હોવા જોઈએ નહીં. ખેડૂતો માટે આફત રૂપ જંગલ ખાતાના જટીલ કાયદાથી ખેડૂતો તથા ખેતીને અત્યારે પણ પારાવાર મુશ્કેલી પડે છે. તેની વિસ્તૃત છણાવટ પણ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના સેટલમેન્ટના 14 ગામોને રેવન્યૂ વિભાગમાં તબદીલ કરવા નિર્ણય લેવાયો છતાં પણ કાર્યવાહી થતી નથી. આવી ખેડૂતો વિરોધી નીતિઓને કારણે પ્રજા તથા ખેડૂતો ઈકોઝોનનો વિરોધ કરી રહ્યાં છે. જેથી હવે કિસાન સંઘ ઈકો સેન્સિટીવ ઝોનના કાયદાનો વિરોધ કરે છે એમ રજૂઆતોમાં જણાવાયું હતું.
આપણ વાંચો: ઇકો ઝોન રદ કરવાની માંગ સાથે તાલાલામાં બેઠક: રાજેશ ચુડાસમા, હર્ષદ રિબડીયા પણ હાજર…
ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે, ખેડૂતો થકી સિંહ સહિતના વન્યપ્રાણીઓની વસ્તી વધી છે. મેનેજમેન્ટના અભાવે વન્યપ્રાણીઓ જંગલ છોડી બહાર નીકળી ગયા છે.
ખેડૂતોને વીજળી, પાણી, રસ્તાના મુદ્દે વનતંત્ર દ્વારા પરેશાન કરવામાં આવે છે. ગોળના રાબડા અને પશુપાલન બંધ જઈ જશે. જો ખોરાક અને પાણી જંગલમાં જ મળી રહે વન્યપ્રાણીઓ રેવન્યુમાં ન આવે તેવી અનેક રજૂઆતો કરાઈ હતી.