કચ્છમાં નકલી નોટોનો કારોબાર, પટના DRIએ ઓપરેશન પાર પાડી બે આરોપીઓને ઝડપ્યા

ગાંધીધામઃ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં અચાનક ત્રાટકેલી પટનાની ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલીજન્સની ટુકડીએ એક મારુતિ-સુઝુકી સ્વીફ્ટ કારમાંથી નકલી ચલણી નોટના થપ્પા ભરેલા થેલા સાથે બે જણને ફિલ્મીઢબે ઝડપી પાડતાં ચકચાર પ્રસરી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે પટણા ડી.આર.આઇ. અને ગાંધીધામ ડી.આર.આઇ દ્વારા સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં નકલી ચલણી નોટના જથ્થા સાથે કચ્છમાં આવેલા શખ્સોને ઝડપી પાડવા માટે ગાંધીધામના રેલવે મથક નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની સ્વીફ્ટ કારને અટકાવવાનો પ્રયાસ કરાતાં આરોપીઓએ સ્વીફટ કાર આગળ હંકારી દીધી હતી. ડી.આર.આઇ.એ તેનો પીછો કરી તેમને આંતરી લીધા હતા અને પથ્થર વડે કારના કાચ તોડી, અંદરથી બે શખ્સને દબોચી લીધા હતા.
કારની તપાસ દરમ્યાન નકલી ચલણી નોટ ભરેલા થેલા મળી આવ્યા હતા. જેને સ્થાનિક ડી.આર.આઇ.ની કચેરીએ લઇ જવાયા હતા. તાજેતરમાં પટના ખાતે ડી.આર.આઇ.એ નકલી ચલણી નોટના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં ગાંધીધામની કડી ખુલતાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઝડપાયેલા આરોપીઓ ‘એક કા ડબલ’ કરી આપતી કુખ્યાત ટોળકીઓ સાથે લાંબા સમયથી જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)



