ગાંધીધામની એક ખાનગી કંપનીમાં ટાંકી પરથી ત્રણ શ્રમિકો નીચે પટકાયા, બેનું મોત…

ભુજઃ સરહદી કચ્છમાં ધમધમતા થયેલા મોટાભાગના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ કર્યો છે. ફરી વધુ એક દુર્ઘટના ગાંધીધામ તાલુકાના પડાણા ગામ ખાતે બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં ડિટર્જન્ટ પાઉડર બનાવતી એક કંપનીમાં બે શ્રમિકોનું અકસ્માતે મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે આ કંપનીમાં કેટલાક શ્રમિકો વેલ્ડીંગનું કામ કરી રહ્યાં હતા તે દરમિયાન પગ લપસી જતાં નીચે ખાબકેલા ત્રણ શ્રમિકો પૈકી બેના ઘટનાસ્થળે મોત નીપજતાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઈ હતી.
બે શ્રમિકોનું ઘટનાસ્થળ પર જ મોત થયું
આ કરુણાંતિકા અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ગોજીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, શનિવારે બપોરના અરસામાં પડાણા ગામના સીમાડે આવેલી રુદ્રાક્ષ ડિટર્જન્ટ એન્ડ કેમિકલ નામની કંપનીમાં આવેલી એક ટાંકીના સમારકામ માટે ત્રણ મજૂરો વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતે પગ લપસતાં ત્રણેય મજુરો નીચે કોંક્રિટના પટ પર ખાબક્યા હોવાનું જાણા મળ્યું છે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગંભીર ઇજાઓના કારણે 28 વર્ષીય ચંદન દિલીપ દાસ અને 30 વર્ષીય પ્રણબ ડિંડાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેન સત્વરે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી દીધી છે. આવી કંપનીઓમાં શ્રમિકોની સુરક્ષાનું કેમ ધ્યાન રાખવામાં નથી આવતું તેવા પ્રશ્નો અત્યારે થઈ રહ્યાં છે. આ બાબતે પણ ચર્ચા થવી ખૂબ જ અનિવાર્ય છે.