કચ્છમાં BSFની મોટી કાર્યવાહી, કોરી ક્રીકમાં પાકિસ્તાની 15 ઘૂસણખોરોની ધરપકડ...
Top Newsકચ્છ

કચ્છમાં BSFની મોટી કાર્યવાહી, કોરી ક્રીકમાં પાકિસ્તાની 15 ઘૂસણખોરોની ધરપકડ…

કચ્છ : ગુજરાતના કચ્છ જિલ્લામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા કોરી ક્રીક વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 15 પાકિસ્તાની ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

આ ઘટનાએ ભારત-પાકિસ્તાન સરહદની સુરક્ષા અને સંવેદનશીલતા પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે. BSFની આ ત્વરિત કાર્યવાહીથી સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થઈ છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે BSFને કોરી ક્રીક વિસ્તારમાં સંદિગ્ધ ગતિવિધિઓની જાણકારી મળી હતી, જેના આધારે તેમણે એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં તેમણે પાકિસ્તાન નાવ પકડી હતી. ઉલ્લેખનીય છે કે આ નાવ રોકવા જતા નાવ સવાર લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ 15 ઘૂસણખોરોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઘૂસણખોરો પાસેથી ખોરાક, મોબાઈલ ફોન અને અન્ય જરૂરી સામગ્રી મળી આવી છે. BSF હાલ તેમની પૂછપરછ કરી રહી છે અને જપ્ત કરેલી સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરી ક્રીક એ ભારત-પાકિસ્તાન સરહદનો અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે, જ્યાં દરિયાઈ માર્ગે ઘૂસણખોરી થવાની વધુ શક્યતા રહે છે. આ ઘટના બાદ BSFએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશનને વેગ આપ્યો છે અને વધારાના સુરક્ષા દળો તૈનાત કર્યા છે. નજીકના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે જેથી બીજી કોઈ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરી શકાય.

BSF અધિકારીઓએ જણાવ્યું કે પકડાયેલા ઘૂસણખોરોની ઓળખ અને તેમના ઇરાદાઓની તપાસ ચાલી રહી છે. સુરક્ષા દળો ખાતરી કરી રહ્યા છે કે સરહદ પર કોઈ સુરક્ષા ચૂક ન થાય અને સ્થાનિક નાગરિકોની સલામતી જળવાઈ રહે.

આ ઘટના દર્શાવે છે કે ક્રીક વિસ્તારમાં સતત દેખરેખ અને સતર્કતા અનિવાર્ય છે. BSFની ત્વરિત કાર્યવાહીએ ઘૂસણખોરીની મોટી યોજનાને નિષ્ફળ કરી છે, અને અધિકારીઓએ ખાતરી આપી છે કે સરહદ પર નિગરાની અને ગસ્ત અવિરત ચાલુ રહેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button