વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ ડે: ઐતિહાસિક હમીરસર તળાવના જળમાર્ગોનો વિશેષ પ્રવાસ યોજાશે

ભુજઃ વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ દ્વારા વૈશ્વિક સ્તરે ઐતિહાસિક જળ વ્યવસ્થાઓના પસંદ કરાયેલા વિશ્વના 25 સ્થળોમાં ભુજ શહેરની ઓળખસમા લગભગ 450 વર્ષ પુરાણા હમીરસર તળાવનો વર્ષ 2025ના જોવા લાયક સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી 10મી ઓક્ટોબરના રોજ ભુજ ખાતે પ્રથમ વાર હમીરસર તળાવમાં વરસાદી પાણીને લઇ જતી વિવિધ ચેનલોના માર્ગદર્શિત પ્રવાસનું આયોજન કરવામાં આવશે.
‘વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ ડે’ની ઉજવણી વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ ઈન્ડિયા, સેપ્ટ રિસર્ચ ખાતેનું સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન, ધ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, ભુજ સ્થિત હોમ્સ ઇન ધ સિટી અને ભુજ નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે આ પ્રવાસ યોજવામાં આવશે.
10મી ઓક્ટોબરે યોજાશે આ કાર્યક્રમ
ભુજમાં ‘વોચ ડે’ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ કરતાં કેચમેન્ટ અને ત્યાંથી હમીરસર તળાવ સુધી જોડાયેલા માર્ગોની જાળવણી અર્થે નાગરિકો, સંલગ્ન સ્થાનિક અધિકારીઓ અને નિષ્ણાતો વચ્ચે સંવાદ થશે. આ સાથે પ્રદર્શન અને ડોક્યુમેન્ટરી ફિલ્મો દ્વારા સ્થળ અને જાળવણી અંગેના પડકારો વિશે વધુ જાણકારી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ વિશે માહિતી આપવામાં આવશે અને સ્થળના ઇતિહાસ તથા હાલના પડકારો અંગે ચર્ચા થશે.
વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માલિની થડાનીએ જણાવ્યું હતું કે, જળ આપણા જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પહેલ ‘હિસ્ટોરિક વોટર બોડીસ ઑફ ઈન્ડિયા’ કાર્યક્રમ હેઠળ દેશભરના અનેક ઐતિહાસિક જળાશયોના પુનઃસ્થાપન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ભુજના હમીરસર તળાવનો સમાવેશ થયો
આ વર્ષે પસંદ કરાયેલા 25 સ્થળોમાં કચ્છના ભુજના હમીરસર તળાવનો સમાવેશ થયો છે. હમીરસર તળાવ રકાબી જેવો આકાર રચે છે, જેના કારણે જળપ્રવાહનો સંગ્રહ સુગમ બને છે. તે જળસંચય અને વ્યવસ્થાપન માટે ઉત્તમ નમૂનો રજૂ કરે છે. રાવ ખેંગારજી પહેલાએ પોતાના પિતાની સ્મૃતિમાં હમીરસર તળાવનું નિર્માણ કરાવ્યું હતું. અહીં પહેલાં નાનકડી તળાવડી હતી અને હમીર નામનો માલધારી તેમાં પોતાનાં ઢોરને પાણી પીવડાવતો હતો. રાવે આ તળાવડીને મોટી કરાવી હોવાની પણ અનુશ્રુતિ છે.
આપણ વાંચો : ગુજરાત અને ન્યૂઝીલેન્ડ કૃષિ-ડેરી ક્ષેત્રે સહભાગી બનશે: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ