કચ્છઃ માંડવીના ઉદ્યાનમાં ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર બનાવાયેલું વોલ પેઇન્ટિંગ બન્યું આકર્ષનું કેન્દ્ર

ભુજઃ ૨૨મી એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આવેલા પર્યટકો પર થયેલા આતંકી હુમલાનો વળતો જવાબ ભારતે ઓપરેશન સિંદૂરથી આપ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત કચ્છ આવી રહ્યા છે ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ડો. ચૂનીલાલ વેલજી મહેતા ઉદ્યાન ખાતે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું.
નગરપાલિકા અધ્યક્ષ હરેશ વિંઝોડાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની સરકારે આતંકવાદ સામે કઠોર પગલાં લઇ ભારતીય સશત્ર દળોને નિર્ણાયક છૂટો દોર આપ્યો ત્યારે વિંગ કમાન્ડર વ્યોમિકાસિંઘ, કર્નલ સોફિયા કુરેશીના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનમાં રહેલા નવ જેટલા આતંકીઓના અડ્ડાને કાટમાળમાં ફેરવી દીધા હતા અને આતંક સામેના આ યુદ્ધમાં વિજય મેળવવા બદલ પેન્ટિંગના સ્વરૂપમાં દેશની આ જાંબાઝ મહિલાઓને અભિનંદન અપાયા હતા.
આ યુદ્ધમાં શહીદ થયેલા જવાનો, પહલગામમાં માર્યા ગયેલા પર્યટકો, એલઓસી પર પાકિસ્તાની સૈન્ય દ્વારા થયેલા ફાયરિંગમાં જાન ગુમાવનારા નાગરિકોને પણ આ વોલ પેઈન્ટિંગના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. હાલ આ વોલ પેન્ટિંગ ભારે આકર્ષનું કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચો…ઓપરેશન સિંદૂરમાં કેમ બીજા દેશોની નજર છે ‘આકાશતીર’ પર?