કચ્છના રણમાં ગૂમ થયેલા ત્રણ યુવાનમાંથી બે મળ્યા, એકની શોધ જારી

ભુજઃ ભીષણ ગરમી વચ્ચે સીમાવર્તી રાપર તાલુકાના બેલાના અફાટ રણમાં આગામી સોલાર પ્રોજેક્ટ માટે સર્વે કરવા ગયેલા ત્રણ પરપ્રાંતિય કર્મીઓ ગૂમ થઈ જતા જતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ભયાનક ગરમી વચ્ચે ત્રણ લોકો ગુમ થઇ ગયા હોવા અંગેની જાણકારી મળતાં સરહદી સલામતી દળ અને બાલાસર પોલીસે સંયુક્ત રીતે આદરેલી શોધખોળ દરમિયાન એક કાર ચાલક અને સર્વેયરની ભાળ મળી પણ આ લખાઈ રહ્યું છે ત્યારે અત્યાધુનિક ડ્રોન કેમેરા વડે ગુમશુદા ઇજનેરની શોધખોળ યુદ્ધના ધોરણે જારી છે.
આ અંગે બાલાસર પોલીસ મથકના ઇન્સ્પેકટર એમ.એન. દવેનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સરહદથી માત્ર ૪૦ કિલોમીટર દૂર આવેલા આ અફાટ રણમાં રસ્તો ભૂલીને ગુમ થયેલા ત્રણમાંથી બે હેમખેમ મળી આવ્યા હતા પણ અર્નબ પાલ નામનો ઈજનેર બે દિવસની વ્યાપક શોધખોળ વચ્ચે મળ્યો નથી.
આ પણ વાંચો: કચ્છના રણમાં છે લિથિયમનો જથ્થો? સરકારે સંશોધન હાથ ધર્યુ
એમ.એન દવેએ વધુમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપના ૫૦,૦૦૦ હેકટર જમીન પર સોલાર પ્રોજેક્ટ બનાવવાનું કાર્ય શરૂ થવાનું હોઈ, પંદરેક વાહનોમાં કર્મીઓનો મોટો કાફલો સર્વે કરવા બેલામાં આવ્યો છે. રણની અંદર દૂર સુધી ગયેલી એક એસયુવી કે જેમાં ત્રણ કર્મીઓ હતા એ પાણીના ખાબોચિયામાં ફસાઈ ગઈ હતી. પાંચ થી સાત કિલોમીટર રણની અંદર બે લોકો પગપાળા ચાલીને ગયા અને ગાડી ડ્રાઈવર રણના રસ્તે તેમની રાહ જોઈ ને ઉભો હતો. ભીષણ ગરમી વચ્ચે અફાટ રણમાં ગયેલા બે યુવકો પૈકી એક બેભાન જેવો થઇ જતાં તેણે ઈજનેરને કારને ગોતવા માટે મોકલ્યો હતો. રણ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ના હોવાથી ફસાડઈ ગયેલા સર્વેયરે ત્યાં રણમાં ફસાયેલી જીપકારના ડ્રાઇવરને પોતાની પાસે રહેલા ફોન મારફતે લોકેશન મોકલી પોતે અને સાથીદાર ઈજનેર રણમાં ભૂલા પડ્યાનું જણાવ્યું હતું. ગાડી ચાલકે તાત્કાલિક બીએસએફ કેમ્પમાં આવીને બે વ્યક્તિ ગુમ થવાની જાણ કરતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને સર્વેયરને બચાવી લીધો હતો, અલબત્ત કારને ગોતવા નીકળેલા અર્નબ પાલ નામના ઇજનેરનો હજુ સુધી અતોપતો ન મળ્યો હોવાનું અને યુદ્ધના ધોરણે તેની શોધખોળ ચાલુમાં હોવાનું દવેએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એપ્રિલ ૨૦૨૩માં કચ્છના દલદલ ભર્યા નાના રણ વાટે ધ્રાંગધ્રા મોટરસાઇકલ પર જઈ રહેલો પાટણનો દોઢ વર્ષની બાળકી સાથેનો પરિવાર ભટકી ગયો હતો જેને ૪૮ કલાક બાદ હેમખેમ શોધી લેવાયો હતો, એજ રીતે ગત ૧૯મી નવેમ્બર ૨૦૧૮ના રોજ રાપરના ભીમાસર ગામના છ જેટલા પદયાત્રીઓનો સંઘ રણમાં ફસાયો હતો જેને કપરાં રેસ્ક્યુ ઓપરેશન દ્વારા ઉગારાયો હતો, જયારે કચ્છના નાના રણમાં પગપાળા ચોટીલા જતો આડેસરનો સંઘ ખોવાઈ ગયો હતો જેને ૧૬ કલાકની શોધખોળ બાદ મહામહેનતે બચાવાયો હતો.