કચ્છની ગરમીએ બે જણનો ભોગ લીધોઃ અકાળે અવસાનમાં પાંચના મોત

ભુજઃ મોસમ વિભાગે મધ્યાહનના સમયે પડતી હીટવેવ દરમ્યાન કામ વગર બહાર ન નીકળવાની આપેલી ચેતવણીને અવગણનારા ભુજના વૃદ્ધ અને મોમાયમોરામાં એક યુવકના ભારે ગરમીના લીધે હીટસ્ટ્રોક લાગી જતાં મોત નીપજ્યાં હતા. બીજી તરફ બંદરીય મુંદરા ખાતે એક કંપનીમાં વોચ ટાવર પરથી પટકાતાં ૫૫ વર્ષીય આધેડ અમરસિંહ બુધારામ (મૂળ રાજસ્થાન)નું ગંભીર ઈજાનાં પગલે મોત થયું હતું, જ્યારે આ જ રીતે ગાંધીધામ તાલુકાનાં ભારાપરની કંપનીમાં પતરાંના શેડ ઉપરથી ૩૯ વર્ષીય અશોક ચેનારામ પરિહાર પટકાતાં તેનું પણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ભચાઉ તાલુકાનાં શિવલખામાં ૨૧ વર્ષના સુરેશ રાધુ કોલીએ અને ગાંધીધામ તાલુકાનાં ગળપાદરમાં ૫૫ વર્ષીય આધેડ જુમા જેઠા મહેશ્વરીએ ગળેફાંસો ખાઈને જીવનલીલા વહેલી સંકેલી હતી.
પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે ભારે ગરમીના લીધે ભુજમાં ૬૬ વર્ષીય વૃદ્ધ બચુભા મીઠુભા જાડેજા અને મમુઆરા પાટિયા પાસે ટ્રકમાં દાડમ ભરવા આવેલા હરિયાણાના ૩૮ વર્ષીય શીરાજુ ઉર્ફે સિરાજુદ્દીન અબ્દુલ રહેમાન (હરિયાણા)નું મોત થયું હતું. મહાવીર જયંતીના સપરમા દિવસની બપોરના બારેક વાગ્યાના સુમારે ભુજ-માંડવી માર્ગની સાઇડમાં ભુજના વાલદાસ નગરમાં રહેતા બચુભા મીઠુભા જાડેજા બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. સેવાભાવીઓ તેઓને તાત્કાલિક સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ આદરી હતી. બચુભાનું ગરમીના લીધે હીટસ્ટ્રોક લાગતાં મોત થયું હોવાનું તપાસકર્તા પી.એસ.આઇ. બી. ડી. શ્રીમાણીએ જણાવ્યું હતું.
આ પ્રકારનો અન્ય બનાવ બપોરે ભુજ તાલુકાના મમુઆરા પાટિયા પાસે બનવા પામ્યો હતો જેમાં ટ્રકમાં દાડમ ભરવા આવેલો સિરાજુદ્દીન આગઝરતી ગરમી વચ્ચે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પગે ચાલીને મમુઆરા પાટિયા પાસે એક પંક્ચરની દુકાને રાખેલા ખાટલા ઉપર બેઠા બાદ થોડીવારમાં જ ઢળી પડયો હતો. તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સિરાજુદ્દીનને અસહ્ય ગરમીના લીધે લૂ લાગતાં હૃદયરોગના હુમલાથી મોત થયાનું તારણ સામે આવ્યાનું પદ્ધર પોલીસે જણાવી આ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો:ગુજરાત આખું ધખધખ્યુંઃ આજથી ત્રણ દિવસ ગરમીમાં રાહતની શક્યતા
દરમ્યાન, મૂળ રાજસ્થાનના જુનજુન જિલ્લાના હાલે ન્યૂ મુંદરા ખાતે રહેતા અમરસિંહ મુંદરા સ્થિત આઈઓસીએલ પ્લાન્ટનાં વોચ ટાવર નંબર ત્રણ ઉપરથી નીચે પટકાતાં માથાં તથા છાતીના ભાગે ગંભીર ઈજાના પગલે મૃત્યુ થતાં મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, ભારાપર ગામે તેરાપંથ કંપનીમાં કામ કરતો અને ગાંધીધામનાં રોટરી નગરમાં રહેતો અશોક નામનો કામદાર યુવક કંપનીના પતરાંના શેડ ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે ઉપરથી નીચે પટકાતાં ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું. કંડલા મરિન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
અન્ય અપમૃત્યુનો કિસ્સો પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાનાં શિવલખા ગામમાં બનવા પામ્યો હતો જેમાં અત્રેના સીમ વિસ્તારમાં બાવળોની ગીચ ઝાડીમાં સુરેશ નામનો યુવક ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં લાકડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બીજો કિસ્સો ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં બન્યો હતો, જેમાં ભવાની નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝુંપડપટ્ટીમાં રહેતા જુમાએ ગત બુધવારે સાંજ પહેલાંના સમયે કોઈ અકળ કારણે ઘરનાં બાથરૂમમાં દોરીથી ગળેફાંસો ખાઈ જીવ દઈ દેતાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.