ભુજ

હર ઘર તિરંગાઃ ભુજમાં 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી…

ભુજ: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ વિનોદચાવડાએ લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો.

આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો,હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોક નૃત્ય કલાકારો, અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો, આઇકોનીક વ્યકિતઓ, સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

જયુબિલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી રેલી શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઇને હમીરસર કાંઠે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. શહેરના મુખ્યમાર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ તથા હોમગાર્ડ જવાનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.

દેશભરમાં યોજાઈ રહેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના 44 ગામોમાં ગ્રામજનોએ વિશાળ હર ઘર તિરંગા યાત્રાઓ યોજી હતી જેમાં ગ્રામજનો સહિત ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલુકાના પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં આવતીકાલથી શરુ થશે ‘હર ઘર તિરંગા અભિયાન’

આઝાદીના 78 મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, તિરંગા રેલી જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જે અંતર્ગત મહેસાણાની સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત,એમ.એમ વી.સાર્વજનિક કન્યા વિદ્યાલયની શાળાના પટાંગણમાં હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજન અંતર્ગત શાળાની 18 વિદ્યાર્થીનીઓ દ્વારા 25 ફૂટ બાય 30 ફૂટનો ભારત દેશનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો.

તેમાં ગુજરાત રાજ્યને પણ અલગ રંગથી દર્શાવવામાં આવ્યું હતું, દેશના નકશામાં દેશના તિરંગાને પણ રંગોળી કલર દ્વારા લહેરાવવામાં આવ્યો હતો. આ દેશના નકશાની બોર્ડર પર લગભગ 83 જેટલી વિદ્યાર્થીનીઓને બેસાડવામાં આવી હતી.

જાહેર સ્થળો પર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે અમદાવાદના સાણંદના એસ.ટી.બસસ્ટેન્ડ ખાતે પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તદુપરાંત બસમાં મુસાફરી કરનાર નાગરિકોને પણ તિરંગાનું વિતરણ કરીને તેમને આ અભિયાનમાં જોડવામાં આવ્યા હતા. સાથોસાથ એસ.ટી. ડેપો મેનેજરે નવતર પહેલ કરાવતા એસ.ટી. બસના આવાગમન અંગેના એનાઉન્સમેન્ટની સાથે હર ઘર તિરંગા અભિયાનની અપીલ પણ શરૂ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button