કચ્છમાં ત્રણના અકાળ મોત: બે જણે ફાંસો ખાંધો, એકને આવ્યો હાર્ટ એટેક

ભુજ: શુક્રવારનો દિવસ કચ્છ જિલ્લામાં શોકમય રહ્યો હતો. આ દિવસે ત્રણ લોકોના અકાળ મોત થયા હતા. જોકે, ત્રણેય મૃતકો યુવાન હતા. જેમની ઉંમર 19થી 22 વર્ષની આસપાસની હતી. મૃતકોના મોતનું કારણ શું છે, આવો જાણીએ.
યુવાનોના મોતથી ચકચાર મચી
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, અંજાર શહેરના વરસામેડી સ્થિત ગુજરાત કોલોની વેલસ્પન ગર્લ્સ હોસ્ટેલ બ્લોક એચ-રૂમ નંબર 106 માં આપઘાતનો બનાવ બન્યો હતો. આ રૂમમાં ઉત્તરપ્રદેશની યુવતી કરિશ્મા રહેતી હતી. કંપનીમાં કામ કરનાર આ યુવતી ગઇકાલે પોતાના રૂમ ઉપર હતી. ગર્લ્સ હોસ્ટેલમાં રહેનારી કરિશ્મા રામજી (ઉ.વ.22) નામની યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પંથકમાં ચકચાર પ્રસરી હતી.
અંજાર ઉપરાંત અબડાસા ખાતેથી પણ આત્મહત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અબડાસાના સાંયરા ગામે રહેતા હતભાગી સામજી રામજીભાઇ કોલી (ઉ.વ.19) નામના યુવાને અગમ્ય કારણે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. હાલ આ મામલે કોઠારા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, ગાંધીધામના સેક્ટર-1 વિસ્તારમાં મોડર્ન શાળા પાછળ અયપ્પા મંદિર પાસેથી આદિપુરના તિરૂપતિનગર વિસ્તારમાં રહેનાર પરેશ પ્રજાપતિ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હૃદયરોગના હુમલાથી યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આમ ત્રણ યુવાનોના અકાળ મોતથી જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે.



