
ભુજઃ કચ્છમાં એક જ દિવસમાં ત્રણ લોકોના મોત થતાં પંથકમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કુલ ત્રણ જેટલા વ્યક્તિઓએ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ છે. ઘટનાની વાત કરવામાં આવે તો, અબડાસા તાલુકાના વાગોઠમાં આઠ દિવસ પૂર્વે ઝેર પીધું હતું તે 19 વર્ષીય જિજ્ઞેશ કોલીનું સારવાર દરમિયાન મોત થયું છે. ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતા કિશન મુકેશ સથવારાએ તેમજ અંજારના વરસામેડીમાં નટુ રાધુભાઈ વાલ્મીકિએ ગળેફાંસોને આપઘાત કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, અબડાસાના વાગોઠમાં રહેતા જિજ્ઞેશ કોલીએ 15મી જુલાઈએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સ્થિતિ વધારે ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.
બે વ્યક્તિએ ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી
ગાંધીધામ શહેરની જય અંબે સોસાયટીમાં આવેલાં ભારત નગરમાં ગત બપોરના અરસામાં આત્મહત્યાનો બનાવ બન્યો હતો. મકાન નંબર 154માં રહેનાર કિશને પોતાનાં ઘરે છતના પંખે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. આ પ્રકારનો બીજો બનાવ અંજાર તાલુકાના વરસામેડી ગામમાં બન્યો હતો. માધવનગરમાં રહેતો નટુ વાલ્મીકિ નામનો યુવકે અજ્ઞાત કારણોસર પંખે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી!
પ્રશ્ન એ છે કે, શા માટે આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. કોઈ પણ મુશ્કેલી હોય તો કોઈના સાથે વાત કરવી જોઈએ. કારણ કે, દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી કે જેનો ઉકેલ ના હોય! સમસ્યા ગમે તેવી ગંભીર હોય પરંતુ કોઈની સાથે વાત શેર કરવી જોઈએ. પછી એ ખાસ વ્યક્તિ પરિવારમાં હોય તે મિત્ર, પણ સમાધાન માટે કોઈના સાથે ચર્ચા કરવી આવશ્યક છે. સોશિયલ મીડિયામાં જે લાઇફસ્ટાઈલ બતાવવામાં આવે છે તે માત્ર રિલ લાઈફ છે, તેના કારણે તમારી રિલય લાઈફને ડિસ્ટર્બ ના કરવી જોઈએ.
આ પણ વાંચો…અમદાવાદ: ધોરણ 10ની વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ! અચાનક ચોથા માળેથી કૂદી પડી