કચ્છમાં અપમૃત્યુના બનેલા વિવિધ બનાવોમાં ત્રણના મોત

ભુજ: કચ્છમાં વીતેલા 24 કલાક દરમ્યાન બનેલા વિવિધ અપમૃત્યુના બનાવોમાં એક પંજાબી આધેડ સહીત ત્રણ લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી છે.
અંજાર તાલુકાના વરસામેડી ગામ ખાતે આસ્થાસિંઘ રાજેશસિંઘ રાજપૂત (ઉ.વ. ૧૮) નામની યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, ભચાઉના લાકડિયા નજીક પગપાળા જતી વેળાએ ઠેંસ લાગતાં ગબડી પડેલા અજ્ઞાત પંજાબી આધેડે પોતાનો જીવ ખોયો હતો તેમજ ગાંધીધામ શહેરમાંથી એક અજાણ્યા વૃદ્ધનો સંદેહજનક હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
વરસામેડી ગામે યુવતીની આત્મહત્યા
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વરસામેડીની અંબાજી-1 સોસાયટીમાં સવારના અરસામાં બનેલા આપઘાતના બનાવમાં આસ્થાસિંઘ નામની યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર પાંખમાં બાંધેલા દોરડાં વડે ગળેફાંસો ખાઈ અનંતની વાટ પકડી લેતાં પોલીસે યુવતીના આત્મઘાતી પગલાંનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.
આપણ વાંચો: મહાકુંભમાં ભાગદોડ, 10 શ્રદ્ધાળુના મૃત્યુની આશંકા; શાહી સ્નાન રદ્દ
આધેડનું પગપાળા જતી વેળાએ પડી જતાં મોત
બીજી તરફ, સામખિયાળી-રાધનપુર માર્ગ પરના લાકડિયા ગામ મધ્યે આવેલા સતલુજ પંજાબી ઢાબા પાસે બનેલા અપમૃત્યુના બનાવમાં મૂળ પંજાબના તથા અહીં આવીને છૂટક મજૂરી કરનાર એક અજાણ્યા આધેડ પગપાળા જતી વેળાએ પડી જતાં તેમનું માથાના ભાગે પથ્થર વાગવાથી તત્કાળ મોત થયું હતું.
આપણ વાંચો: જામનગરમાં પાંચ વર્ષ બાદ નોંધાયો કોંગો ફીવરનો કેસ; 50 વર્ષીય આધેડના મૃત્યુથી તંત્ર થયું દોડતું
ગાંધીધામથી મળી વૃદ્ધની ભેદી સંજોગોમાં લાશ
દરમ્યાન, ગાંધીધામ શહેરના સેક્ટર નંબર 7 વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પાસેથી અંદાજિત 75 વર્ષની આયુના અજાણ્યા વૃદ્ધની ભેદી સંજોગોમાં લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.