કચ્છના રણમાં ફસાયેલા ધાંગ્રંધાના પરિવારને આ રીતે ઉગારાયો

ભુજઃ વૈશાખના સુદ પક્ષમાં ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલાં અપર એર સર્ક્યુલેશનને પગલે સમયાંતરે વરસી રહેલા કમોસમી વરસાદને પગલે પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છના નાના રણમાં માર્ગ ભૂલીને કાદવ-કીચડ વાળા વરસાદી પાણીમાં ફસાયેલા ધાંગ્રધાના પરિવારના સભ્યોને હેમખેમ બચાવી લેવાતાં સૌએ રાહતનો દમ લીધો છે.
આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન અંગે આડેસર વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.વાળાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વાગડ પંથકમાં આવેલા વાછડા દાદાના મંદિરે દર્શન કરવા ધ્રાગધ્રા તાલુકાના થરા ગામના પટેલ પરિવારના તેર જેટલા સભ્યો તેમની મારુતિ ઈકો કારમાં કચ્છ આવ્યા હતા અને આ અફાટ નાના રણમાં માર્ગ ભૂલી ગયા હતા. તેઓ રસ્તો શોધવા માટે રઝળપાટ કરી રહ્યા હતા તે દરમ્યાન તેમનું વાહન દલદલમાં ફસાઈ ગયું હતું.
રણમાં ભૂલા પડેલા પરિવાર પાસે ખોરાક અને પાણી ખૂટી પડ્યાં હતાં અને અધુરામાં પુરું મોબાઈલ નેટવર્ક પણ ન હોતાં તેમના માથે આભ અને નીચે બંજર જમીન જેવી કપરી પરિસ્થિતિ ઉભી થતાં તેમના જીવન પર જોખમ ઉભું થયું હતું.
સદ્ભાગ્યે પરિવાર ફસાયો હોવા અંગે એક અગરિયા દ્વારા જાણકારી મળતાં આડેસર પોલીસના જવાનોએ ફસાયેલા પરિવારને ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું.
તેમની ભાળ મળ્યા બાદ સીમાવર્તી વરણુ ગામના દસથી પંદર ગ્રામજનોને ટ્રેકટર, રસ્સો, નાસ્તો, દવા સહીત સ્થળ પર બોલાવાયા હતા અને રણમાં ફસાયેલા પરિવારને હેમખેમ બહાર કાઢ્યા હતા.ભારે બફારાના પગલે હીટસ્ટ્રોકની અસર જણાતાં તમામને હોસ્પિટલે લઇ જવાયા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર બાદ ક્ષેમકુશળ હાલતમાં પરત ધ્રાંગધ્રા પહોંચાડવામાં આવ્યા હતા.
કચ્છના નાના રણમાં દરીયાની ભરતી,માવઠું અને હાલ વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ઠેકઠેકાણે દલદલ હોવાને કારણે વાહન તો ઠીક પગપાળા ચાલવું પણ અતિ દુષ્કર છે. ખોરાક-પાણી વગર ભૂલાં પડેલાં ધ્રાંગધ્રાના પરિવારની હાલત કેવી થઈ હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.આ પરિવારને શોધવા નીકળેલાં સેવાભાવીઓ-પોલીસ અધિકારીઓએ કલાકો સુધી કરેલા રઝળપાટના લીધે તેમના હાલ બેહાલ થઈ ગયા હતા.
દરમ્યાન, ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહીના પગલે વાછડા દાદાના મંદિર તરફથી દર્શનાર્થીઓને નાના રણના કઠિન માર્ગે ન આવવા શ્રદ્ધાળુઓને અપીલ પણ કરાઈ હતી તેમ છતાં આ પરિવાર રણમાર્ગે નીકળ્યો હતો.બરફના ગોળા સાથે વરસેલા કમોસમી વરસાદના પગલે વરણુના રણમાં પાણી ભરાઈ જતાં ફસાઈ ગયેલા મીઠાના અગરિયાઓ,મીઠાનું પરિવહન કરતી ટ્રકોને પણ સહી સલામત બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એપ્રિલ ૨૦૨૩માં કચ્છના દલદલ ભર્યા નાના રણ વાટે ધ્રાંગધ્રા મોટરસાઇકલ પર જઈ રહેલો પાટણનો દોઢ વર્ષની બાળકી સાથેનો પરિવાર ભટકી ગયો હતો જેને ૪૮ કલાક બાદ હેમખેમ શોધી લેવાયો હતો, એજ રીતે, ૧૯મી નવેમ્બર ૨૦૧૮ના રોજ રાપરના ભીમાસર ગામના છ જેટલા પદયાત્રીઓનો સંઘ રણમાં ફસાયો હતો જેને કપરાં રેસ્ક્યુ ઓપરેશન દ્વારા ઉગારાયો હતો, જયારે નાના રણમાં પગપાળા ચોટીલા જતો આડેસરનો સંઘ ખોવાઈ ગયો હતો જેને ૧૬ કલાકની શોધખોળ બાદ મહામહેનતે બચાવાયો હતો.
તાજેતરમાં રાપરના બેલાના અફાટ રણમાં સોલાર પ્રોજેક્ટ માટે સર્વે કરવા આવેલા ત્રણ કર્મીઓ રસ્તો ભૂલ્યા હતા જેમાં બેને બચાવી લેવાયા હતા, એક મૃત હાલતમાં મળી આવ્યો હતો.