રાજાશાહી યુગથી ભુજંગદેવની પૂજનવિધિ કરવાની પરંપરા આજે પણ અકબંધ
ભુજ: ભુજનું નામ જેના પરથી પડ્યું તે ભુજંદેવના સ્થાનકે ભુજિયા ડુંગર પર આજે નાગપંચમીના દિવસે લોકમેળો યોજાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાગદેવતાને સમર્પિત હોય તેવો સમગ્ર દેશનો આ બીજો મેળો છે. આવો અન્ય મેળો મહારાષ્ટ્રના નાગપુરમાં દર વર્ષે યોજાય છે. 295 વર્ષની રાજ પરંપરા મુજબ ભુજિયા ડુંગર પરના કિલ્લા પર આવેલા ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે કચ્છના રાજપરિવાર દ્વારા પૂજનવિધિ કર્યા બાદ શરૂ થયેલા આ મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
17મી સદીમાં અમદાવાદના શેરબુલંદ ખાને 50,000થી વધુ સૈનિકો સાથે કચ્છ પર આક્રમણ કર્યું હતું અને ભુજિયા ડુંગર પર ધમાસાણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં કચ્છના સૈન્યની મદદે 9000 જેટલા નાગા બાવાઓ પણ લડ્યા હતા. લાંબા ચાલેલા આ ભયંકર યુદ્ધમાં બરાબર નાગપંચમીના દિવસે આક્રમણખોર શેરબુલંદ ખાનનો પરાજય થયો ત્યારે કચ્છના મહારાવ લાવ-લશ્કર સાથે ભુજિયા ડુંગરની ટોચ પર બિરાજમાન ભુજંગદેવની પૂજા અર્ચના કરી હતી. આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.
આ પણ વાંચો: ભુજમાં વોટસએપ ગ્રુપ પર રોષવ્યક્ત કરતી ઓડિયો કલીપ વાયરલ કરનાર પર કાઉન્સિલરના પુત્રોએ હુમલો કર્યો
ત્યારબાદ પણ ભુજિયાનું લશ્કરી મહત્વ જળવાઈ રહ્યું હતું અને તે લાંબા સમય સુધી અંગ્રેજોનું થાણું રહેવા પામ્યો હતો અને ઈ.સ 1857ના વિપ્લવમાં અંગ્રેજોની જીત થતાં તેની ઉજવણી અંગ્રેજ સેનિકોએ આ કિલ્લા પર કરી હતી. ત્યારબાદ આ ભૂજિયો કિલ્લો ભારતીય સેનાના કબ્જા હેઠળ હતો પણ આખરે વર્ષ 2009માં આ ઐતિહાસિક ભુજિયા કિલ્લાને મુલકી સતાવાળા હસ્તક સોંપી દેવામાં આવ્યો હતો. કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપની સ્મૃતિ ભાવિ પ્રજાના મનમાં રહે તે હેતુથી આ ડુંગર પર નવતર પ્રકારના સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે જેને લઈને હવે આ ભુજિયા કિલ્લા પર બારે મહિના સ્થાનિક લોકો અને પર્યટકોની અવરજવર જોવા મળી રહી છે.
દરમ્યાન, આજના ભુજિયા ખાતેના મેળામાં ભુજ ઉપરાંત માધાપર, મીરજાપર, ધાણેટી,પધ્ધર,હબાય, ઝીંકડી સહિતના શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોએ આ ભાતીગળ મેળાની મુલાકાત લીધી હતી અને ભાવિકોએ ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા શિવ મંદિરોની પણ મુલાકાત લીધી હતી.