ભુજ

ભુજમાં ‘સસ્તું સોનું’ અપાવવાના બહાને મધ્યપ્રદેશના નગરસેવક લૂંટાયા: 2.30 લાખની ઠગાઈ

ભુજ: બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ૨૪ કેરેટનું શુદ્ધ સોનુ આપવાના નામે લોકો સાથે ઠગાઈ કરતી રહેતી ભુજની કુખ્યાત ગેંગના સાગરીતો દ્વારા પત્ની સાથે કચ્છ ફરવા આવેલા મધ્યપ્રદેશના હરપાલપુર નગરપાલિકાના નગરસેવકને ભુજમાં લૂંટી લીધો હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર નગરપાલિકાના વોર્ડ નંબર 11ના નગરસેવક રાજેન્દ્ર જયરામ મિશ્રાએ ભુજ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક સપ્તાહ અગાઉ પત્ની સાથે ફરવા માટે ભુજ-કચ્છ આવ્યા હતા.

આપણ વાંચો: રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ કરનારો મુખ્ય આરોપી આખરે ઝડપાયો

ગત 5મી જૂનના રોજ ભુજ નગરપાલિકાની હંગામી ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવનારા મહેન્દ્ર સોનીએ ફોન કરીને જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ પર તેનો સંપર્ક ભુજના એક સોનાના વેપારી સાથે થયો છે અને તે બજારભાવ કરતા 20 ટકા સસ્તા ભાવે સોનું આપે છે.

મહેન્દ્રએ મોબાઈલ નંબર આપતા ફરિયાદીએ ફોન કરી સોનાના બિસ્કીટ બાબતે પૂછપરછ કરતા ભુજના જ્યુબિલિ સર્કલ પાસે દંપતીને મુલાકાત માટે બોલાવ્યા હતા. અહીં હ્યુન્ડાઇ ક્રેટા ગાડી (નંબર જીજે ૧૨ એફએ ૯૭૭૪) લઈને આવેલા અબ્દુલફારૂક સમાએ તેમને તૈબાહ ટાઉનશિપમાં ઘરે લઈ ગયો જ્યાં સોનાના બિસ્કીટ બતાવ્યા હતા.

આપણ વાંચો: સરકારી નોકરી અપાવવાના બહાને ઠગાઈ: જુનાગઢમાં સસ્પેન્ડેડ કર્મીએ 10 બેરોજગારોને છેતર્યા, ₹3.17 લાખ પડાવ્યા

બિસ્કીટ બાબતે પૂછતા આ સોનાના બિસ્કીટ દુબઈથી યુક્તિપૂર્વક અહીં લાવે છે અને બજારભાવ કરતા ૧૫થી ૨૦ ટકા સસ્તા ભાવે ખાસ ગ્રાહકોને જ વેચાણ કરવામાં આવે છે તેમ જણાવતા ફરિયાદીએ તેઓ હાલ ભુજ ફરવા આવ્યા હોવાથી રોકડા રૂપિયા નથી તેમ કહ્યું હતું.

ત્રીજા દિવસે પતિ-પત્ની ભુજિયા ડુંગર પરના સ્મૃતિવન ખાતે ફરવા ગયા ત્યારે આરોપીએ ફોન કરીને નજીક આવેલાં ઝાંસી કી રાની સર્કલ પાસે મુલાકાત માટે બોલાવ્યા હતા.

પતિ-પત્ની ત્યાં પહોંચ્યા ત્યારે ક્રેટા કારની બાજુમાં ત્રણ માણસો ઉભા હતા તેઓએ વાતચીત દરમિયાન ફરિયાદીને કહ્યું કે, જો તમારે હમણાં સોનું ખરીદવાના રૂપિયા ના હોય તો વાંધો નહીં હમણાં તમારી પાસે જેટલા રૂપિયા હોય તેટલા આપો, અમારી પાસેથી સોનાનું બિસ્કિટ સેમ્પલ માટે લઈ જાઓ અને તમારે ત્યાં બજારમાં વેચી નાખજો જો વિશ્વાસ આવે તો પછી સોનાનો વેપાર કરજો. વાત વાતમાં પોતાની પાસે ૨.૩૦ લાખ રોકડા હોવાનું આરોપીઓએ જાણી લીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button