કચ્છમાં પ્રચંડ ગરમીઃ ભરબપોરે ભુજ 47 ડિગ્રીએ તપ્યું

ભુજઃ ચૈત્રીય નવરાત્રીની વિદાય બાદ ફરી શરૂ થયેલો અંગ દઝાડતો તાપ સમગ્ર રાજ્યની સાથે કચ્છને અકળાવી રહ્યો છે. જિલ્લા મથક ભુજ આજે ૪૩ ડિગ્રી સાથે રાજ્યના સર્વાધિક ગરમ મથકોની યાદીમાં આવી ગયું છે.
પાકિસ્તાન તરફથી આવી રહેલા ઉના વાયરા સાથે વાઈ રહેલી લૂ વચ્ચે અંગ દઝાડતા તાપને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દિવસ દરમિયાન શહેરના માર્ગો પર ચહલ પહલમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
બપોરના સમયે સ્માર્ટફોનમાંના વેધર એપ્લિકેશનમાં ભુજનું ૪૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને અલ્ટ્રા વાયોલેટનો ઇન્ડેક્સ પણ ૧૦ નોંધાયો હતો જે અતિ જોખમી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારો અને રણકાંધીના ગામોમાં ગરમીની આણની વિશેષ અસર થઈ હતી.
આપણ વાંચો: ધખધખતું ભુજઃ મહત્તમ તાપમાન સાથે ગુજરાતનું સર્વાધિક ગરમ મથક, રાજકોટ પણ તપ્યું
કંડલામાં મહત્તમ ૪૨ ડિગ્રી, ગાંધીધામ વિસ્તારમાં પણ ૪૧.૬ ડિગ્રી, નલિયામાં ૩૯ ડિગ્રી નોંધાઈ હતી. લઘુત્તમ તાપમાન પણ જિલ્લામાં સરેરાશ ૨૮ ડિગ્રીને પાર કરી જતાં રાત્રે અનુભવાતી ગુલાબી ઠંડી ગાયબ થઇ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સિવિયર હીટવેવનું મોજું ફરી વળશે તેવી આગાહી કરી છે.
દરમ્યાન,આકરા ઉનાળાની શરૂઆત સાથે જ રણપ્રદેશ કચ્છમાં પીવાના પાણીની અને વીજ ધાંધીયાની સમસ્યા વિકટ બની રહી છે. ખાસ કરીને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ગામોમાં અત્યારથી જ પાણીની પરાયણ સર્જાતા ગામના લોકો પાણી માટે રીતસર વલખાં મારી રહ્યા છે.
કચ્છનો ખાવડા અને બન્ની વિસ્તારનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. અહીં ઉનાળામાં ઘાસ અને પાણીની સમસ્યા કારણે માલધારીઓને હિજરત કરવાની નોબત આવી છે. આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવું અત્યારથી જ લાગી રહ્યું છે