કચ્છમાં અંગ દઝાડતો ભાદરવી તાપ: ભુજમાં તાપમાનનો પારો 36એ પહોંચ્યો

ભુજ: ચોમાસામાં અતિભારે વરસાદ અને ઘોડાપૂરની સ્થિતિ બાદ હવે સૂર્યનારાયણ દેવના આકરા મિજાજ એટલે કે ભાદરવી તાપથી કચ્છ જિલ્લો ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે. આજે જિલ્લા મથક ભુજમાં ચામડી લાલ કરી નાખતા તાપ સાથે 36 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. આકાશમાંથી વરસાદી વાદળોએ વિદાય લઇ લેતાં આડેસરથી છેક કોટેશ્વર સુધી મહત્તમ તાપમાન લગભગ સરખુ જ રહ્યું છે.
ભુજ ઉપરાંત ગાંધીધામ, કંડલા, અંજાર, નખત્રાણા સહિતના મથકોમાં સૂર્યનારાયણના રોદ્ર સ્વરૂપથી જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.
આપણ વાંચો: ભાદરવી તાપમાં તપ્યું કચ્છ: ભુજમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન…
વહેલી સવારે અનુભવાતી ગુલાબી ઠંડી શિયાળો આસપાસ હોવાનો અનુભવ કરાવે છે જયારે બપોરે કાળઝાળ ગરમી અને મધરાત્રી બાદ ઠંડીના મિશ્ર માહોલને લીધે તાવ, શરદી અને પેટજન્ય બિમારીઓએ પણ માથું ઉંચકયું છે.
ગામડાઓમાં ઓતરા-ચીતરા (ઉત્તર- ચિત્રા) નક્ષત્રો આકરા તપે તેવી માન્યતા છે. ખેડૂતો- ધરતીપુત્રોના જણાવ્યા મુજબ આ સમય તૈયાર કૃષિ પાકોની કાપણી જેવા ખુલ્લા આકાશ નીચે કામ કરતા ખેડૂતો પણ અસહ્ય ભાદરવી તાપથી ત્રાહીમામ પોકારી ઉઠે છે. હવામાન વિભાગે પણ સંકેત આપ્યા છે કે, શ્રાદ્ધ પક્ષના આ સમયગાળા દરમ્યાન કચ્છ-સૌરાષ્ટ્રનું મહતમ તાપમાન ઉંચુ રહેશે જયારે લઘુતમ તાપમાન આઠેક ડિગ્રી જેટલું નીચુ રહેશે. હાલ વરસાદની શકયતા નહીંવત છે.