સ્વચ્છ સર્વેક્ષણમાં ગાંધીધામનું શરમજનક પ્રદર્શન; રાષ્ટ્રીય સ્તરે આટલામા ક્રમે | મુંબઈ સમાચાર
ભુજ

સ્વચ્છ સર્વેક્ષણમાં ગાંધીધામનું શરમજનક પ્રદર્શન; રાષ્ટ્રીય સ્તરે આટલામા ક્રમે

ભુજ: ભારત સરકારે તજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં સ્વચ્છતા બાબતે શહેરોની રેકિંગ જાહેર કરી હતી. જેમાં કચ્છના ઔદ્યોગિક પાટનગર અને તાજેતરમાં મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોને સાફ-સુથરું રાખવામાં વહીવટી તંત્ર સદંતર ઊણું ઊતર્યું હોવાનું સાબિત થયું છે. સફાઈના નામે દર મહિને એક કરોડથી વધુ રૂપિયા ખર્ચવામાં આવે છે, છતાં સ્વચ્છતા મામલે રાષ્ટ્રીય કક્ષાએ આ શહેરનો 820 માંથી 214 મો અને ગુજરાતમાં છેક 99મો ક્રમ આવ્યો છે, જે અત્યંત શરમજનક કહી શકાય.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈન્દોરે દેશમાં સ્વચ્છતામાં નંબર એકનું સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ આ સ્વચ્છતા સર્વેક્ષણમાં 50 હજારથી લઈને 3 લાખની વસ્તી ધરાવતા શહરોમાં ગાંધીધામ દેશમાં 214મા ક્રમે રહ્યું. આ સર્વેક્ષણમાં ડોર-ટુ-ડોર કચરા એકત્રીકરણ, સૂકો-ભીનો કચરો, વેસ્ટ પ્રોસાસિંગ એટલે કે કચરાનું ખાતર બનાવવાની પ્રક્રિયા સહિતની બાબતોને આવરી લેવામાં આવી છે.

આ સ્વચ્છ સર્વેક્ષણમાં ગાંધીધામને એક પણ સ્ટાર મળ્યો નથી, પરંતુ મહાનગરપાલિકાના જવાબદારો ગત સર્વેક્ષણ કરતાં આ વખતે સ્થિતિમાં સુધારો આવ્યો હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં આ દાવો સદંતર પોકળ સાબિત થઈ રહ્યો છે હોવાના આક્ષેપો અહીંના નગરજનો કરી રહ્યા છે.

આપણ વાંચો:  કલોલના છત્રાલમાં રિક્ષાચાલકે મહિલા હોમગાર્ડ પર કર્યો એસિડ હુમલો, આરોપીની ધરપકડ

નગરપાલિકા સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તેમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. મહાનગરપાલિકાના સમયગાળામાં આવું ન થાય તે માટે 17 કરોડના ખર્ચે બે ઝોનમાં સફાઈની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પણ જો ખરેખર સફાઈ કામગીરી થાય તો જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનનું વિઝન સાર્થક થાય તેવું કચ્છીઓ જણાવી રહ્યા છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button