કચ્છના સરહદી વિસ્તારમાંથી ટેગ લગાવેલું શંકાસ્પદ કબુતર ઝડપાયું
ભુજ: પાકિસ્તાન દ્વારા ગુજરાત અને પશ્ચિમ બંગાળની સરહદો દ્વારા ઘૂસણખોરી કરીને દેશના વિવિધ સ્થળો પર આતંકી હુમલા કરવાની ઉભી થયેલી શક્યતાઓ વચ્ચે હાલ તમામ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર રહેલી છે ત્યારે કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના બેલા વિસ્તારમાં સામેપારથી સંભવિત જાસૂસી અર્થે મોકલવામાં આવેલું કોલર ટેગ લગાવેલું એક શંકાસ્પદ કબુતર મળી આવતા સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે.
રાપરના બેલા વિસ્તારમાં સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ મળી આવેલા આ શંકાસ્પદ કબુતર અંગે બાલાસર પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસ તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: એમડી ડ્રગ્સ ભીવંડીથી દુબઇ, ગુજરાતમાં વાયા મુંદરા થઈ સાઉથ આફ્રીકા પહોંચ્યું?
ઉલ્લેખનીય છે કે, બેલા પાસે ભારત-પાકિસ્તાન વચ્ચેની અત્યંત સંવેદનશીલ રણ સરહદ આવેલી છે. ભુતકાળમાં અહીં ઘૂસણખોરી, હથિયારો-ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ તેમજ કબુતર કે અન્ય પક્ષીઓ મારફતે જાસુસીકાંડની કડીઓ પણ તાજેતરમાં જ સામે આવી ચુકી છે.
ગત ડિસેમ્બરમાં એક હોબાર્ડ બસ્ટર્ડ પક્ષીને અબુધાબીમાં ઘોરાડ પ્રજનન કેન્દ્રમાં ‘વેલેન્ટીન મોટેઉ’ નામની સંસ્થા દ્વારા એનએફસી ચિપ ધરાવતા ખાસ ટેગ લગાડવામાં આવ્યા બાદ તેને પાકિસ્તાનમાં છોડવામાં આવ્યું હતું જે બાદમાં કચ્છના બન્ની પ્રદેશના ઉત્તરાદિ વિસ્તારમાં ઉડાઉડ કરતું જોવા મળ્યું હતું.