સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ડૂબતા બે યુવાનના મોતઃ વેકેશનની મજા બની સજા

ભુજ: ભુજથી સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગૌતમગઢ ગામ ખાતે મામાને ઘેર ઉનાળુ વેકેશન મનાવવા ગયેલા મામા-ફોઇના બે પુત્રોના પાણીથી ભરાયેલી પથ્થરોની ખાણમાં ડૂબી જવાથી મોત થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ગમગીની પ્રસરી જવા પામી છે.
સુરેન્દ્રનગર પોલીસના જણાવ્યા પ્રમાણે, મૂળી તાલુકાના ગૌતમગઢ ગામે રહેતા મહેન્દ્રસિંહ પરમારનાં ૧૩ વર્ષનાં ભાણેજ કિશોરસિંહ અજીતસિંહ જાડેજા ભૂજથી ગૌતમગઢ ગામે બે દિવસ પહેલાં ઉનાળુ વેકેશન ગાળવા આવ્યા હતા.
બંનેનું ડૂબી જવાથી મોત
ગત રોજ મામાનાં 18 વર્ષના પુત્ર અભિરાજસિંહ તથા અન્ય પરિવારનાં સભ્યો સાથે ભોગાવો નદી કાંઠે આવેલાં સતિમાનાં મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતા સમયે અભિરાજસિંહ પરમાર અને કિશોરસિંહ જાડેજા કૂવા પાસે આવેલી પાણી ભરેલી ખાણમાં નહાવા પડ્યા હતા, બાકીના સભ્યો ઘરે ચાલ્યા ગયા હતા.
આ દરમ્યાન બંનેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. લાંબા સમય સુધી તેઓ પરત ન આવતાં પરિવારજનોએ આદરેલી શોધખોળ દરમ્યાન તેઓના પાણીમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. આ કરુણ ઘટના અંગે સુરેન્દ્રનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
આપણ વાંચો: BREKING: અમરેલી નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી ચારના મોત; સમગ્ર પંથકમાં શોક
દરમ્યાન, ભુજ શહેરના બસ પોર્ટ નજીક આવેલા કેશવ એપાર્ટમેન્ટમાં રહેનારી આધેડ વયની મહિલાનું સાફ-સફાઈ દરમ્યાન ગેલેરીમાંથી અકસ્માતે નીચે પડી જવાથી મોત થયું હતું. 50 વર્ષીય વિજયાબેન ઘનશ્યામભાઈ ઠક્કર કેશવ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતાં હતા.
ગત સોમવારે મોડી સાંજના અરસામાં તેમના ફ્લેટની ગેલેરીની ડિટર્જન્ટ પાઉડર વડે સફાઈ કરતી વેળાએ અચાનક પગ લપસી જતા તેઓ નીચે પડી ગયાં હતા. માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાથી વિજયાબેને બનાવ સ્થળે જ દમ તોડી દીધો હતો.