આદિપુરમાં વોલ્વો બસે બે વાહનને લીધા અડફેટેઃ એક વિદ્યાર્થિનીનું મોત, બે ઘાયલ

ભુજ: આજે રાજકોટમાં સિટી બસની તેજ રફ્તારના કહેરથી જે ચાર લોકોના જિંદગી હોમાઈ ગઈ તે ઘટના આપણી સામે છે ત્યારે કચ્છના આદિપુર-ગાંધીધામ હાઇ-વે પર આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટીની વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા હતા જેમાં એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
25 વર્ષીય વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત
પ્રાપ્ત વિગતો અનુસાર આદિપુર-ગાંધીધામ ધોરીમાર્ગ પર બુધવારે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આદિપુર બસ સ્ટેશન નજીક પુરપાટ દોડતી રાજ્ય પરિવહનની વોલ્વો બસે એક મોટરસાઇકલ અને રસ્તો ઓળંગતા એક્ટિવા સ્કૂટરને અડફેટમાં લેતાં એક્સ્ટર્નલ અભ્યાસ કરતી 25 વર્ષીય વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી.
આ જીવલેણ અકસ્માતની ઘટના આજે બપોરના 3:30 કલાકની આસપાસ બની હતી. વિદ્યાર્થિની એક્ટિવા પર તેના પરિવારની વ્યક્તિ સાથે જઈ રહી હતી. તે દરમિયાન પાછળથી મિસાઈલની જેમ ધસી આવેલી વોલ્વો બસે તેમને અડફેટે લીધા હતા.
આપણ વાંચો: રાજકોટ સિટી બસ અકસ્માતમા ચારના મૃત્યુ, મૃતકોને 15 લાખ અને ઘાયલોને બે લાખની સહાયની જાહેરાત
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
આદિપુર પોલીસ મથકના તપાસનીશ ગઢવીના જણાવ્યા મુજબ ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. મૃતક વિદ્યાર્થિનીનું નામ હજુ સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી.
તેણીના મૃતદેહને આદિપુરની રામબાગ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ગંભીર અકસ્માત સર્જ્યો બાદ વાહન મૂકીને ફરાર થઈ ગયેલા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થઇ રહ્યાં છે.