
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ યુદ્ધવિરામ તો કરાયું છે પણ આ યુદ્ધવિરામ અમલી બનાવ્યાના ગણતરીના કલાકોમાં પાકિસ્તાને નાપાક હરકત કરીને ફરી કેટલાક સ્થળોએ યુદ્ધવિરામનો ભંગ કરતાં સુરક્ષા દળો હજી એલર્ટ મોડમાં છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં અફવાઓએ પણ જોર પકડ્યું છે. આજે ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકના જખૌ તેમજ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાના આકાશમાં પાકિસ્તાની ડ્રોને દેખા દીધી હોવાની વાત બહાર આવી હતી પણ તે વાતને કોઈ સત્તાવાર વિગતો શેર કરવામાં આવી નથી.
પરિસ્થિતિ કાબુ હેઠળ છે અને હાલે ચિંતાનું કોઈ કારણ નથી: કલેક્ટર
આ દરમિયાન આજે મોડી રાત્રે જિલ્લા કલેકટરે એવું જણાવ્યું છે કે, પરિસ્થિતિ કાબુ હેઠળ છે અને હાલ ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે કચ્છમાં સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવાઈ છે, પરંતુ વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં લોકોએ પોતપોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે માથે રહેલા જોખમને જોતાં જરૂરત પૂરતી લાઇટનો ઉપયોગ કરવા તેમણે સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આજે આખા દિવસ દરમિયાન કોઈ ભયસૂચક સાયરન વાગ્યું નથી અને આંશિક અંધારપટને કારણે લોકોને પણ રાહત થવા પામી છે.
કચ્છમાં આજે આખા દિવસમાં કોઈ ભયસૂચક સાયરન વાગ્યું નથી
નોંધનીય છે કે, કચ્છમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. વિગતે એવી પણ સામે આવી હતી કે, નલિયા અને જખૌ આસપાસ ડ્રોન જોવા મળ્યા હતાં. જો કે, આ વાતને સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. જેથી લોકોએ કોઈ પણ પ્રકારની ચિંતા કે ડર રાખવાની જરૂર નથી. જામનગરની વાત કરવામાં આવે તો, કલેક્ટેર એક્સ પોસ્ટ કરતા લખ્યું કે, જામનગર જિલ્લામાં આજે તારીખ 11 મે ના રોજ બ્લેકઆઉટ રહેશે નહીં. જો કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાશે તો બ્લેકઆઉટ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે અને તેની નાગરિકોને જાણકારી આપવામાં આવશે.
આ પણ વાંચો…કચ્છના બસ-રેલવે સ્ટેશનો પર કોરોનાકાળ જેવા દશ્યોઃ યુદ્ધના ભણકારા વચ્ચે પરપ્રાંતિયો વતન ઉપડ્યા