ભુજ

ભારતના ઓપરેશન સિંદૂરની યાદમાં ભુજમાં ૮ હેકટર જમીન પર આકાર પામશે ‘સિંદૂર વન મેમોરિયલ પાર્ક’

થીમ આધારિત પાર્કમાં ભારતીય લશ્કરને સમર્પિત વિભાગો, લડાકુ વિમાનોના મિનિએચર મોડેલોને પ્રસ્થાપિત કરાશે

ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગાંવ ખાતે પોઇન્ટ ઝીરો બ્લેન્કથી ગોળીઓ ધરબી દઈ નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારી દેનારા પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓના આતંકી હુમલાનો જવાબ આપવા ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર ગુજરાત સરકાર દ્વારા સરહદી કચ્છના ભુજ શહેરમાં ‘સિંદૂર વન’ નામનું સ્મારક ઉદ્યાન બનાવવામાં આવશે.

આ મહત્વાકાંક્ષી પ્રકલ્પનો હેતુ ભારતના સંરક્ષણ દળોની બહાદુરી અને બલિદાનને માન આપવાની સાથે, નાગરિકોની એકતાને સલામ કરવાનો છે.

આપણ વાંચો: UNમાં ભારતનો ડંકો: ‘ઓપરેશન સિંદૂર’ના વખાણ, આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સ્ટાઈલ ‘અનોખી’!

કચ્છ જિલ્લા કલેકટર આનંદ પટેલના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ગુજરાત પ્રવાસ દરમિયાન ભુજ-માંડવી રોડ પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર સભા યોજી હતી એ વન વિભાગ હસ્તકની ૮ હેકટર જમીન પર સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે.

વન વિભાગના જણાવ્યા અનુસાર, આ પાર્ક થીમ આધારિત હશે અને સિંદૂર છોડની સાથે અંદાજે ૩૫ જેટલા અન્ય વનસ્પતિ પ્રજાતિઓનું ગાઢ વાવેતર કરવામાં આવશે જેને ‘વન કવચ’ એટલે કે, ‘માઇક્રો ફોરેસ્ટ’ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’ ભારતની જીત, પાકિસ્તાન ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર રહેઃ એર ચીફ માર્શલની ચેતવણી

આ પાર્કમાં ભીંતચિત્રો અને આર્મી, એરફોર્સ, નેવી અને બીએસએફ જેવા વિવિધ દળોને સમર્પિત વિભાગો હશે. આ સાથે યુદ્ધના યાદગાર અનુભવને મુલાકાતીઓ સમજી શકે એ માટે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલી શસ્ત્રદળની સામગ્રી અને રાફેલ વિમાનોના મિનિએચર મોડેલોને પણ સ્થાપિત કરવામાં આવશે.

આ સિંદૂર જંગલનો એક વિભાગ ગત ૨૨મી એપ્રિલના રોજ પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાઓને પણ સમર્પિત કરવામાં આવશે તેમ કચ્છ સર્કલના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યું હતું.

દરમ્યાન, ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન, ભુજ અને રાજસ્થાનના બાડમેર આસપાસના સરહદી વિસ્તારો પર પાકિસ્તાન આર્મી દ્વારા ૬૦૦થી વધુ મિસાઇલો અને ડ્રોન વડે નિષ્ફ્ળ હુમલાઓ કરવામાં આવ્યા હતા જેને ભારતીય સુરક્ષા દળોએ અપ્રતિમ સમર્પણ નિષ્ફળ બનાવ્યા હતા તેમ બીએસએફના ગુજરાત ફ્રન્ટિયર અભિષેક પાઠકે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button