ભુજ

સિંચાઈ વિભાગના તત્કાલીન કાર્યપાલક ઇજનેર સામે લાંચની માંગણીનો ગુનો દાખલ

ભુજ: એક તળાવને ઊંડુ કરવાના ભગીરથ કાર્ય માટે અરજદાર પાસેથી પંદર હજાર રૂપિયાની લાંચ માગનારા રાપર પંચાયતના સિંચાઈ વિભાગના વિવાદિત તત્કાલિન નાયબ કાર્યપાલક ઈજનેર ચંદ્રકાન્ત શંકરદાન ગઢવી સામે ગાંધીધામ એસીબી પોલીસ મથકે આખરે લાંચની માંગણીનો ગુનો દાખલ થયો છે.

ફરિયાદીએ વર્ષ ૨૦૨૧માં ગઢવી દ્વારા લાંચની માંગણી થઇ તે વાતચીતનું ફોનમાં રેકોડીંગ કરીને લાંચ રુશવત વિરોધી શાખાને સોંપ્યું હતું. ત્યારબાદ એસીબીએ લાંચિયા અધિકારીને રંગેહાથ પકડવા છટકું ગોઠવ્યું હતું. જો કે, ગઢવીને આ અંગે ખબર પડી જતાં છટકા દરમિયાન લાંચના નાણાં ના સ્વિકારતાં છટકું નિષ્ફળ ગયું હતું.

આપણ વાંચો: લાંચ માંગવી પણ ગુનો: વર્ગ 1 અધિકારી સામે ACBનો સકંજો, લાંચ ન સ્વીકારી તો પણ ગુનો નોંધાયો

આ નિષ્ફળ છટકાં અંગે ગાંધીનગર એસીબીએ પ્રાથમિક તપાસ કરવાનો હુકમ કર્યો હતો. આ તપાસ દરમ્યાન ચંદ્રકાન્ત ગઢવીએ લાંચની માગણી અંગે કરેલી હેતુલક્ષી વાતચીતના દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પૂરાવા તથા સાંયોગિક પૂરાવા મળ્યાં હતા,જેના પગલે એસીબીના નિયામક પીયૂષ પટેલે ગઢવી સામે લાંચની માંગણીનો ગુનો દાખલ કરવા હુકમ કરતાં ગાંધીધામ એસીબી પોલીસ ઈન્સપેક્ટર એલ.એસ. ચૌધરીએ ગાંધીધામ એસીબી પોલીસ મથકે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭ હેઠળ ચંદ્રકાન્ત ગઢવી વિરુધ્ધ બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં ગુનો દાખલ કરાયો છે.

હાલ પાલનપુર ખાતે કાર્યપાલક ઇજનેર (ક્લાસ વન) તરીકે ફરજ બજાવનારા આ અધિકારીએ સીમાવર્તી કચ્છમાં ઘણાં વર્ષો સુધી ફરજ બજાવેલી છે અને તેમની સામે અનેક વખત ભ્રષ્ટાચારના ગંભીર આરોપ થયેલાં છે.

છેલ્લે કચ્છ જિલ્લા પંચાયતમાં કાર્યપાલક ઈજનેર તરીકેની ભારે વિવાદાસ્પદ કામગીરી બાદ પાલનપુર ખાતે બદલી પણ થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button