રાપરમાં કરુણાંતિકાઃ કાનમેર પાસે પાણી ભરેલા ખાડામાં સાત ડૂબ્યા, બેનાં મોત

ભુજઃ સીમાવર્તી રાપર તાલુકાના કાનમેરથી ઉગામણી નજીક વરસાદી પાણીથી ભરેલી પથ્થરની ખાણમાં ન્હાવા પડેલા સાત જેટલા લોકોમાંથી ૨૪ વર્ષની પરિણીત યુવતી અને ૧૬ વર્ષીય કિશોરનું ડૂબીને મોત થતાં પંથકમાં શોક ફેલાયો હતો.
આ કરુણાંતિકા અંગે ગાગોદર પોલીસ મથકના પી.આઇ સેંગલે જણાવ્યું હતું કે, નાના રણની ફરતે આવેલા કાનમેરથી ઉગામણી તરફ જતા માર્ગ પરની પથ્થરની ખાણમાં તાજેતરમાં થયેલા ખનન કામકાજને કારણે પડી ગયેલા ઊંડા ખાડામાં વરસાદના પાણી ભરાતાં તે ખાડો તળાવમાં ફેરવાયો હતો.
આ પાણી ભરેલા ખાડામાં ગત બપોરે સાતેક જેટલા બાળક અને કપડાં ધોવા આવેલી મહિલાઓ ન્હાવા પડયા હતા, પરંતુ તરતાં આવડતું નહીં હોવાથી બધા લોકો ડૂબવા માંડયા હતા.
આપણ વાંચો: ગુજરાતમાં છ દિવસમાં Ganesh Visarjan દરમિયાન ડૂબી જવાથી 15નાં મોત
તેઓનો અવાજ સાંભળી નજીકમાં જ રહેતા કાનમેરના તરવૈયા કાના ચાવડાએ પોતાનો જીવ જોખમમાં મુકી ડૂબી રહેલા અરમાન સુલેમાન ધુના(૧૫), હસીના સુલેમાન ધુના(૪૦), ફરિદા હબીબ ધુના(૨૦), કારી હબીબ ધુના(૨૦), અને ૧૭ વર્ષીય ખતીજા રસુલનેને રસીની મદદ વડે હેમખેમ બહાર કાઢી લીધા હતા.
જો કે ૨૪ વર્ષની શહેનાઝ સુલેમાન ધુના અને તેણીના કૌટુંબિક ભાઈ એવા ૧૬ વર્ષના ફારૂક હબીબ ધુનાના ડૂબી જતાં મોત નીપજ્યાં હતાં. મૃતદેહોને પાણી ભરેલા ખાડામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે પલાંસવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હોવાનું પી.આઈ સેંગલે ઉમેર્યું હતું.