ભુજ

કચ્છના પશ્ચિમી સાગરકાંઠે તરતા માચડાંઓ પર સી-વીડનું વાવેતર…

ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદે અવારનવાર પાકિસ્તાની ઘૂસણખોરો ઘુસી આવવાના અહેવાલો તો બહુ સામાન્ય છે પણ આ ભૌગોલિક રીતે અતિ કઠિન વિસ્તારમાં રહેતા ભારતીય માછીમારો છેલ્લા થોડા સમયથી એક અનોખી પહેલ કરી રહ્યા છે અને આ દરિયામાં વાંસના લાકડાંના બનાવેલા બાર્જ જેને સાદી ભાષામાં તરતાં પ્લેટફોર્મ કહી શકાય તેના પર વિશિષ્ટ પ્રકારની દરિયાઈ વનસ્પતિનું વાવેતર કરી રહ્યા છે. ‘સી-વીડ’ તરીકે ઓળખાતી આ અસંખ્ય પ્રકારની વનસ્પતિઓની દુનિયાભરમાં ગજબની માંગ છે અને ભારતમાં પણ તે એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવા મોટાં ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સ પર મળી રહે છે.

આ લાલ,બદામી અને પીળા રંગની દરિયાઈ વનસ્પતિના તબીબી ઉપયોગ અને માનવ શરીર માટે તેના સેવનથી થનારા લાભ સદીઓ જુના છે અને રોમન તેમજ ઇજિપ્તિશિયન ઇતિહાસમાં તેનો ઉપયોગ થતો હોવાનું જણાવાયું છે. આ સી-વીડ સ્થૂળતા, થાયરોઇડ અને મધુપ્રમેહ જેવા રોગમાં સારવાર માટે આપી શકાય છે, એટલું જ નહિ આ પ્રકારની વનસ્પતિની દરિયાઈ કાંઠે થઇ રહેલી ખેતીથી દરિયાની અંદરની દરિયાઈ જીવસૃષ્ટિને પણ ખોરાક અને આશરો મળી રહે છે તેથી આ સી-વીડ મરીન ઈકોલોજી માટે આશીર્વાદરૂપ છે.

આ પણ વાંચો: કચ્છમાં બેવડીઋતુનો કહેરઃ દિવસ અને રાતના તપામાન વચ્ચે આટલો તફાવત…


હાલે કચ્છના સરક્રીક અને તેની આસપાસના ૯૬ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારોમાં આવો પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સરહદી સલામતી દળના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલા આ કાર્યમાં હાલે પડાલા અને કોરીક્રીક ખાતે આ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.અહીં લાકડાંના રાફ્ટ બનાવીને તેને દરિયામાં ગોઠવાય છે અને તેના પર આ સી-વીડ કે જેને ગ્લેસેરીયા પણ કહેવામાં આવે છે તેની ખેતી કરવામાં આવી રહી છે.

આ પ્રકારના ૨૪૦ જેટલા રાફ્ટસ તૈયાર કરી તેને દરિયામાં મુકાશે જેના પર વાવેતર કરવામાં આવશે જેને લઈને પડાલા અને કોરીક્રીક અને તેની આસપાસના ૨૪ જેટલા ગામોના માછીમારોના પરિવારોને આર્થિક ફાયદો મળશે. એક અંદાજ પ્રમાણે એક રાફ્ટ બનાવવામાં રૂપિયા ૧૬૦૦૦નો ખર્ચ થાય છે અને માછીમાર એક વર્ષમાં આઠ વખત કુલ ત્રણ હજાર કિલોગ્રામ જેટલો સી-વીડનો પાક લઇ શકે છે.

આ સી-વીડનો દુનિયાભરમાં વ્યાપક ઉપયોગ થાય છે ખાસ કરીને પશુ આહાર, કોસ્મેટિક્સ,ખાતર,રસાયણો તેમજ દવાઓ બનાવવા માટે તેને ઉપયોગમાં લેવાય છે. ભારત સરકારે હજુ બે વર્ષ પહેલાં જ સી-વીડ મિશનનો પ્રારંભ કર્યો છે જે હેઠળ ભારતના સાગરકાંઠાના માત્ર પાંચ ટકા વિસ્તારનો પણ જો આવું વાવેતર કરાય તો આગામી બે વર્ષમાં ૧૧ મેટ્રિક ટન જેટલું સી-વીડનું ઉત્પાદન મેળવી શકાશે. હાલે કચ્છમાં ત્રણ જગ્યાએ આ પાયલોટ પ્રોજેક્ટનો સફળતાપૂર્વક આરંભ કરી દેવાયો છે.
આગામી સમયમાં સી-વીડની ખેતી માટે જુના બંદર, લૂણી, નાના લાયજા અને ઝરપરા ખાતે પણ વાંસના લાકડાના બનાવેલા તરતા રાફ્ટ મુકવામાં આવશે તેવું જાણવા મળે છે.

આ પણ વાંચો: ટ્રેન ઓન ડિમાન્ડ: આગામી શુક્રવારથી ભુજ-રાજકોટ-ભુજ વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન થશે જરૂર

દુનિયાના વૈજ્ઞાનિકોએ સી-વીડને એટલી હદે ઉપયોગી ઠેરવ્યો છે કે ન્યુક્લિયર વોર બાદની પરિસ્થિતિમાં કે જ્વાળામુખી ફાટવાની ઘટનાથી જયારે ખેતીવાડીને ખુબ નુકશાન થાય છે ત્યારે સી-વીડ ખોરાકના એક વિકલ્પ રૂપ કામ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત પર્યાવરણ પર પણ તેની ખુબ સારી અસર પહોંચે છે.

પાણીમાં ઓગળી ગયેલા કાર્બન ડાયોક્સાઇડનું તે શોષણ કરે છે અને સી- વીડ વનસ્પતિઓમાં કાર્બન ડાયોક્સાઇડ શોષવાની ક્ષમતા અન્ય વનસ્પતિઓ કરતાં પાંચ ઘણી વધારે હોય છે.

ઉલ્લેખનીય છે કે,આ પ્રકારનો પાયલટ પ્રોજેક્ટ તામિલનાડુમાં પણ શરૂ કરાયો છે
ગુજરાત,લક્ષદ્વીપ, આંદાબાર અને નિકોબારના સાગરકાંઠે પણ આ પ્રકારનો વિકલ્પ ક્રમશ શરૂ કરાશે તેમ જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button