મીઠીરોહરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીરટીંગ સેલના દરોડા, દેશી દારૂનો નાશ કરી ત્રણને ઝડપ્યા

ભુજ: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો અગાઉ પૂર્વ કચ્છના સામખિયાળી અને ભચાઉ તાલુકાના શિવલખા ગામ ખાતે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને રાજ્યસ્તરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીઓએ દરોડા પાડ્યાં હતાં. સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓને ઝડપી પાડી હતી. આ દરોડા દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂના જથ્થાનો નાશ પણ કર્યો હતો.
દેશી દારૂનો ધંધો કરતા આરોપીઓમાં ફેલાયો ફફડાટ
સ્ટેટ મોનીટરીંગ સેલે ગાંધીધામના મીઠીરોહર ગામ ખાતે ધમધમી રહેલા દેશી દારૂ બનાવતી એક ભઠ્ઠી પર તવાઈ બોલાવતાં દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં અચાનક ત્રાટકેલી વિજિલન્સ ટીમ દ્વરા મીઠીરોહર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યાં હતા. જેમાં અંદાજિત 640 લિટરથી વધારે દેશી દારૂના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો અને તેનો નાશ પણ કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા લીરા, હાંસોટ પોલીસ સ્ટેશનમાં પોલીસે માણી દારૂની મહેફિલ…
ભઠ્ઠી પર હાજર ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુલામ અને સિકલા તરીકે ઓળખાતા બુટલેગરોની કહેવાતી આ સૌથી મોટી ભઠ્ઠી પર હાજર ત્રણ શખ્સોની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ હાથ ધરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ દરોડા દરમિયાન બે મોટરસાઇકલ, એક મારુતિ-સુઝુકી અલ્ટો કાર સહિતનો મુદામાલ કબ્જે કરાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.



