નેશનલભુજ

કચ્છનાં સરક્રિકમાં ત્રણ જેટલા ડ્રોન તોડી પડાયાનાં અહેવાલ; ગુજરાતનાં સરહદી જિલ્લામાં બ્લેકઆઉટ

ભુજ: પાકિસ્તાને ભારતનાં જમ્મુ, પઠાણકોટ, જેસલમેર સહિતનાં સરહદી વિસ્તારમાં હુમલાની નાપાક હરકત કરી છે. ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે સંવેદનશીલ એવા કચ્છનાં સરક્રિક આસપાસનાં વિસ્તારમાં પાકિસ્તાનનાં ત્રણ જેટલા ડ્રોન દેખાતા તેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેક આઉટ જાહેર કરી દીધું છે.

પાકિસ્તાનને છે કરાંચી હુમલાનો ડર

અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે છ વાગ્યા આસપાસ વાગડનાં ખાવડા નજીક એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ આ બે ઘટનાઓ જોતાં એ જોવા મળી રહ્યું છે કે જમ્મુ કાશ્મીર, રાજસ્થાન બાદ હવે કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિતનાં સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન કોઇ નાપાક હરકત કરી શકે છે. સૈન્ય પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે જો કચ્છ જિલ્લા પર હુમલો કરવામાં આવે તો પાકિસ્તાનને તેનાં કરાંચી બંદર પર વળતાં હુમલાનો ભય રહેલો છે. આથી પશ્ચિમી સીમાએ પાકિસ્તાન કોઇ નાપાક હરકત કરે તેવી શક્યતાઓ ઓછી છે.

અમદાવાદ એરપોર્ટ નજીકના વિસ્તારોની સુરક્ષા વધારી

પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગુજરાતમાં તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ સહિત પાકિસ્તાન બોર્ડર નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સરહદી પરિસ્થિતિને જોતા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવરજવર અને કાર્ગોની તપાસ વધુ સઘન કરવામાં આવી છે. આ ઉપરાંત, એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા દળો દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો.. ભારતે લાહોર પર ડ્રોન હુમલો કર્યો; અમેરિકાના વિદેશ સચિવે એસ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button