બળબળતા બપોરથી કચ્છને રાહતઃ વરસાદી માહોલ જામતા પારો નીચે સરક્યો

ભુજઃ બળબળતા તાપને પ્રતાપે અરબી સમુદ્રમાં એક મજબૂત એન્ટી-સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતાં સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છના વાતાવરણમાં આવેલા પલટાને કારણે ભીષણ ગરમીના પ્રકોપથી જનજીવનને રાહત પહોંચી છે.
કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વહેલી વર્ષાઋતુના આગમનના એંધાણ આપતા વેગીલા વાયરાઓએ બળબળતા તાપને ઓછો કરી દેતાં મોટાભાગના મથકોએ ૪૫ ડિગ્રી જેટલા ઊંચા રહેલા તાપમાનના આંકને ૩૫-૩૬ ડિગ્રી સુધી લાવી દેતાં આગ ઓકતી ગરમીથી રાહત અપાવી છે. વાદળછાયા આકાશને કારણે સૂર્યનો પ્રકોપ ઘટી જતાં શહેરોની બજારોમાં ફરી પ્રાણ પુરાયા છે અને સૂના પડેલા માર્ગો ફરી ધબકતા થયા છે.
આગામી વહેલા ચોમાસાને ધ્યાનમાં રાખી ઇમરજન્સી લાઈટ-ફેન,પાવર બેન્ક, છત્રી,રેઇનકોટ સહિતની ચીજવસ્તુઓની આગોતરી ખરીદી લોકોએ અત્યારથી જ શરૂ કરી દીધી છે.
ભુજમાં વધી ગયેલા ભેજ વચ્ચે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી જયારે કંડલા (એર)માં ૩૫ ડિગ્રી સે.નોંધાયું હતું.
કચ્છમાં અધિકત્તમ ઉષ્ણતામાન ૩૬ ડિગ્રી રહેતાં ગરમીમાં રાહત અનુભવાઇ હતી પણ વધી ગયેલા ભેજના કારણે બફારો વધી જતાં લોકો અકળાયા હતા.
દરમ્યાન, વહેલી શરૂ થઇ ચુકેલી પ્રી-મોન્સૂન એક્ટિવિટીના પગલે અમદાવાદ સહીત રાજ્યના અનેક મથકોએ મીની વાવાઝોડાં સાથે વરસાદ વરસવો શરૂ થઇ ચુક્યો છે ત્યારે રણપ્રદેશ કચ્છમાં રવિવારથી વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરતા હવામાન વિભાગે સોમ અને મંગળવારે કેટલાક સ્થળે તોફાની પવન સાથે કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. પશ્ચિમી વિક્ષોભની અસર તળે છૂટા છવાયા સ્થળે ભારે પવન અને ગાજવીજ સાથે હળવો કે મધ્યમ, કરા સાથેનો વરસાદ પણ વરસી શકે છે તેવું પૂર્વાનુમાન વ્યક્ત કરવાની સાથે બુધવાર બાદના દિવસો માટે યલો એલર્ટ જારી કરાયું છે.