
વિજયાદશમીએ ભુજમાં શસ્ત્રપૂજા બાદ સંરક્ષણ પ્રધાને પાકિસ્તાનને આપી ધમકી; જાણો સર ક્રીક વિવાદ શું છે?
ભુજ: ‘વિજયાદશમીના’ દિવસે શસ્ત્રપૂજાનું કરવાનું ઘણુ મહત્ત્વ છે, જેથી પોતાના ઘરે તલવાર, બંદૂક જેવા હથિયારો ધરાવતા લોકો આ દિવસે તેની પૂજા કરતા હોય છે. આવી જ રીતે આપણું રક્ષા મંત્રાલય પણ શસ્ત્રપૂજા કરે છે. આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભુજ ખાતે ભારતીય સેનાના હવાઈ મથકે પહોંચીને શસ્ત્રપૂજા કરી હતી. શસ્ત્રપૂજા કર્યા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાનના કોઈ પણ દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી હતી.
પાકિસ્તાનની નિયતમાં ખોટ છે
વિજયાદશમીના દિવસે ભુજ પહોંચેલા રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સેનાના હવાઈ મથકે એલ-70 એર ડિફેન્સ ગનની પૂજા કરી હતી. આ હથિયારનો ઉપયોગ ઓપરેશન સિંદૂર દરમિયાન કરવામાં આવ્યો હતો. આ સાથે તેમણે ભારતની પશ્ચિમ દિશાનો સૌથી છેલ્લો છેડો ગણાતા સર ક્રીક વિસ્તારની મુલાકાત લીઘી હતી ત્યાર બાદ રક્ષા પ્રધાને એક કાર્યક્રમને સંબોધ્યો હતો.
આ પણ વાંચો: કચ્છમાં BSFની મોટી કાર્યવાહી, કોરી ક્રીકમાં પાકિસ્તાની 15 ઘૂસણખોરોની ધરપકડ…
રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદીના 78 વર્ષ બાદ સિરક્રીક વિસ્તારમાં સીમા વિવાદને ઊભો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતે આનું વાટાઘાટો દ્વારા નિરાકરણ લાવવાના ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ પાકિસ્તાનની નિયતમાં ખોટ છે. તેની નિયત સાફ નથી, જે રીતે પાકિસ્તાનની સેનાએ સર ક્રીકને અડીને આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કર્યો છે તેને જોઈને પાકિસ્તાનની નિયત સ્પષ્ટ થાય છે.
પાકિસ્તાનનો ઇતિહાસ અને ભૂગોળ બદલી નાખીશું
તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેના અને બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) દ્વારા સંયુક્ત રીતે અને સતર્કતાપૂર્વક ભારતની સરહદનું રક્ષણ કરી રહી છે. જો પાકિસ્તાન તરફથી સર ક્રીકમાં કોઈ દુઃસાહસ કરવાનો પ્રયાસ કરશે તો તેનો એવો જડબાતોડ જવાબ આપવામાં આવશે કે પાકિસ્તાનનો ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. 1965ના યુદ્ઘમાં ભારતીય સેના લાહોર સુધી પહોંચી ગઈ હતી. આજે 2025માં પાકિસ્તાને એ ભૂલવું જોઈએ નહીં કે કરાચી જવાનો રસ્તો સર ક્રીકમાંથી પસાર થાય છે.
આ પણ વાંચો: કચ્છની લખપત સરહદ પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
રાજનાથ સિંહે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને લેહથી લઈને સર ક્રીક સુધી ભારતની સુરક્ષા પ્રણાલીમાં વિક્ષેપ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. ભારતીય સેનાએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો પર્દાફાશ કરી દીધી અને દુનિયાને સંદેશ આપ્યો કે, ભારતની આર્મ્ડ ફોર્સ જ્યારે, જ્યાં અને જેવી રીતે ઈચ્છે એ રીતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
સર ક્રીક વિવાદ શું છે?
કચ્છના રાજા અને સિંધ પ્રાત વચ્ચે 1913માં એક કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર પછી જી. પિલર્સ તરીકે ઓળખાતા 40 થાંભલા બંને પ્રાંતની વચ્ચે ઊભા કરવામાં આવ્યા હતા. આ થાંભલા આજે પણ આવેલા છે. આ વિસ્તાર વચ્ચે ભૌગોલિક વિવિધતા ધરાવતા કોરી ક્રીક, પડાણ ક્રીક, પબુવારી ક્રીક અને સર ક્રીક જેવા વિસ્તારો આવેલા છે. આઝાદી બાદ આ વિસ્તારોને લઈને કોઈ સીમાંકન કરવામાં આવ્યું નથી. જેથી પાકિસ્તાનની નજર આ ક્રીક વિસ્તારો પર રહે છે. આ વિસ્તારના સીમાંકન અંગે ભારતનું કહેવું છે કે, આ હદ ખાડીની બરાબર વચ્ચે હોવી જોઈએ. જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે, આ હદ પૂર્વી તટ પર ભારતની નજીક હોવી જોઈએ.