ભુજ

માંડવીમાં તલવારના ઘા ઝીકી નર્સની હત્યા કરનારો હૉસ્પિટલમાંથી ઝડપાયોઃ આ છે કારણ

ભુજઃ કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામે ચકચારી ઘટના ઘટી હતી, જેમાં કામ પર જઈ રહેલી એક નર્સને વહેલી પરોઢે એક યુવાને તલવારના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. આ યુવાને આ હત્યા કર્યા બાદ ઝેર પીવાની કોશિશ કરી હતી અને હૉસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી અને તેની પૂછપરછ કરી હતી.

શું હતી ઘટના

સરહદી કચ્છના બંદરીય માંડવી તાલુકાના ગોધરા ખાતે વહેલી સવારે બસ સ્ટોપ પાસે બસની રાહ જોતા ગવરી નામની એક 22 વર્ષીય છોકરી ઊભી હતી.

ગવરીના પિતા હયાત નથી અને માતા તેમ જ ભાઈ બહેન માટે તે સહારો બની નર્સનું કામ કરતી હતી. પોતાની ફરજ પર જવા બસની પ્રતીક્ષા કરતી ગવરીને મોટરસાઇકલ પર આવેલા બે હત્યારાઓ દ્વારા તલવાર અને ગુપ્તી વડે ઘા મારી ઘાતકી રીતે મારી નાખવામાં આવી હતી. આ ભારે ગંભીર ઘટનાની નોંધ લેવાઈ હતી.

આપણ વાંચો: ક્યાં છે કાયદો ને વ્યવસ્થા? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સની તલવારના ઘા ઝીંકીને હત્યા…

આ બનાવની તપાસ કરી રહેલા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ.ઝાલાએ જણાવ્યું હતું કે, મરણ જનાર ૩૨ વર્ષિય ગવરી તુલસીદાસ ગરવા નિત્યક્રમ મુજબ પરોઢે સાડા પાંચના અરસામાં ઘરેથી પગપાળા બસ સ્ટેન્ડ જવા નીકળી હતી.

ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં બે ભાઇઓ અને માતા સાથે રહેનાર હતભાગી ગવરી તુંબડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારીત જગ્યા પર નોકરી કરતી હતી. ગવરી ઘરથી માંડ સો મીટર દૂર પહોંચી હતી ત્યારે મૂળ કોડાયના અને હાલમાં બિદડા રહેનારા ૨૬ વર્ષના સાગરે તેણીની કરપીણ હત્યા કરી નાખી હતી.

નર્સનું તાલિબાની પદ્ધતિથી ઢીમ ઢાળી દીધા બાદ સાગરે ઝેરી દવા ગટગટાવી લેતાં તેને માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયો હતો. જો કે, તેની તબિયત ખતરાની બહાર હોવાનું તબીબોએ જાહેર કરતાં પોલીસે હોસ્પિટલે ધસી જઈ રાઉન્ડ અપ કરીને પૂછપરછ કરતાં તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો છે.

આપણ વાંચો: સ્કિઝોફ્રેનિયાથી પીડાતા યુવાને કબ્રસ્તાનના કૅરટેકરનું ગળું ચીર્યું

શા માટે કરી હતી હત્યા

ઘરનો સહારો બનેલી માસૂમ યુવતીનું ઢીમ ઢાળનારા સાગરે આ હત્યા એકતરફી પ્રેમના કારણે કરવાનું કબૂલ્યુ છે. સાગરે જણાવ્યું કે ગવરીને તે ખૂબ પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો.

જો કે, થોડાંક સમયથી ગવરીએ તેની સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું અને અન્ય યુવકો સાથે પણ મિત્રતા કેળવી હોવાનું તેના ધ્યાને આવ્યું હતું. જેથી ઉશ્કેરાઈને તેણે ગવરીને જાનથી મારી નાખવાનું નક્કી કર્યું હતું.

સાગર હજુ હોસ્પિટલમાં મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ હોઈ પોલીસે તેની વિધિવત્ ધરપકડ કરી નથી. ગુનાની તપાસમાં માંડવી અને કોડાય પોલીસ સ્ટેશન ઉપરાંત એલસીબી, એસઓજી, પેરોલ ફર્લૉ સ્ક્વૉડ, ડૉગ સ્ક્વૉડ વગેરે જોડાયાં હોવાનું ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ.ઝાલાએ ઉમેર્યું હતું.

જોકે આ પહેલી ઘટના નથી સુરત સહિત દેશમાં ઘણી જગ્યાએ એકતરફી પ્રેમમાં યુવાનો યુવતીઓને રહેંસી નાખે છે. એક તો યુવાનોમાં સંયમ ને સમજનો અભાવ છે અને બીજું કાયદાનો ડર રહ્યો નથી, જેને કારણે કેટલાય મા-બાપોની લાડકોડથી ઉછેરેલી દીકરીઓ હોમાઈ જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button