ભુજ

કચ્છમાં કોરોનાના નવા સબ વેરિએન્ટની એન્ટ્રી? વધુ ત્રણ લોકો કોરોના સંક્રમિત

ભુજઃ કોરોના વાઇરસના નવા JN.1 ,XFG, NB.1.8.1 તેમજ LF.7 નામના ઓમીક્રોનના સબ વેરિયેન્ટએ વિશ્વભરમાં ચિંતા ફેલાવી છે એ વચ્ચે લાંબા સમયથી કોરોના મુક્ત બનેલા કચ્છમાં વીતેલા બે દિવસ દરમ્યાન કોવીડ-૧૯ના નવા છ પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભારત અને ચીન સહીત ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, સિંગાપોર, કેનેડા અને સ્વીડન સહિતના દેશોમાં કોવીડ-૧૯નાં દૈનિક કેસ અને મૃત્યુના આંકમાં વધારો થયા બાદ, ભારત સરકારે તાત્કાલિક પગલાં ભરી ટેસ્ટિંગને વ્યાપક બનાવ્યા બાદ આ રણપ્રદેશમાં પણ નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કચ્છમાં સતત બીજા દિવસે વધુ ત્રણ લોકોને કોરોના સંક્રમિત થયા છે, જેમાં જિલ્લાના મુખ્ય મથક ભુજમાં વધુ બે, જયારે નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગે જરૂરી તપાસ આરંભી છે.

હાલ અહીં કોરોનાની ૮૦૦ જેટલી આરટીપીસીઆર અને માત્ર ૨૦૦ રેપિડ કિટ ઉપ્લબ્ધ છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં કચ્છમાં હજુ વધારાની ટેસ્ટિંગ કિટ ફાળવવા માટે રાજ્ય સ્તરે દરખાસ્ત કરવામાં આવી છે.

ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કેશવકુમારે જણાવ્યું હતું કે, ગઈકાલે ભુજમાં બે અને ગાંધીધામમાં એક વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે ભુજ શહેરી વિસ્તારમાં વધુ બે અને નખત્રાણા તાલુકામાં એક વૃદ્ધ કોરોના સંક્રમિત થવાની સાથે બે દિવસમાં કોરોનગ્રસ્ત દર્દીઓનો આંકડો છ પર પહોંચ્યો છે. સંક્રમિત થયેલા દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેઓને સામાન્ય શરદી અને શરીરમાં સાધારણ કળતર સિવાય કોઈ ગંભીર ગણી શકાય તેવાં લક્ષણ જોવા મળ્યા નથી.

ગભરાટમાં આવ્યા વિના આનુંષાંગિક નિયમોનું નાગરિકો દ્વારા પાલન કરવામાં આવે તેવો અનુરોધ ડો. કેશવકુમારે કર્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થવાનો દાવો ભૂતકાળના વલણોને જોતા નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહ્યો છે, જો કે,સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ આ વખતે કોરોના સંક્રમણ લોકો માટે બહુ ગંભીર નથી. આવી સ્થિતિમાં, જો મોજું આવે તો પણ દર્દીઓના મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઘણી ઓછી હશે. આરોગ્ય મંત્રાલય કોરોનાના નવા પ્રકાર NB.1.8.1 પર દવા અને રસી કેટલી અસરકારક છે તેનો અભ્યાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો:  કોરોના મુદ્દે WHO એ વ્યક્ત કરી ચિંતા, જાણો બીજું શું કહ્યું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button