નલિયા અને કોપનહેગનમાં એકસમાન ઠંડીઃ ગાંધીધામમાં ઠંડીએ લીધો જીવ

ભુજઃ ઈશુના વર્ષ ૨૦૨૪ના અંતિમ પડાવમાં માગશરની મારકણી ઠંડી આજે કચ્છમાં વધુ આક્રમકઃ બની હતી અને ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા નજીકના અબડાસા તાલુકાના રણકાંધીના ગામો અને મુખ્ય મથક નલિયા ખાતે લઘુતમ તાપમાનનો આંક ૪.૨ ડિગ્રી સે.પહોંચવાની સાથે મુખ્ય મથક ભુજે પણ આજે ૯.૮ ડિગ્રી સે. ન્યુનતમ તાપમાન સાથે ચાલુ શિયાળાનો સૌથી ઠંડો દિવસ અનુભવ્યો છે. લગભગ છેલ્લા એક સપ્તાહથી અનુભવાતી ગાત્રો થીજાવતી ઠંડીએ કચ્છમાં આજે એક વ્યક્તિનો ભોગ લીધો હોવાનું પણ જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ઠંડીએ અત્યારસુધી બે વ્યક્તિઓનો ભોગ લોધો છે. ગાંધીધામના ધમધમતા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નજીક આવેલી પોલીસ ચોકીની બહારથી એક શખ્સનો મૃતદેહ મળી આવતાં તેનું મોત ઠંડીના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે.
આપણ વાંચો: Gujarat: રાજ્યનાં અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી; પછી પડશે હાડ થિજવતી ઠંડી
છેલ્લા બે દિવસથી કચ્છમાં સર્જાયેલું ધૂંધળું વાતાવરણ ગાયબ થવાની સાથે જ ઠંડીએ આજે આકરો મિજાજ દર્શાવ્યો છે. તેમાં વળી પ્રતિકલાકે ૧૧ કિલોમીટરની ઝડપે ફૂંકાતા ઉત્તર-પૂર્વીય પવનોએ ઠંડીને વધુ તીવ્રતમ બનાવી છે જેને લઈને ઠંડીની બાબતમાં સમગ્ર રાજ્યમાં નલિયા પ્રથમ ક્રમાંક પર અને ભુજ બીજા સ્થાને રહેવા પામ્યું છે.
આજે નલિયા ખાતે ન્યુનતમ તાપમાન ૪.૨ ડિગ્રી થવા સાથે આ શીતમથકના લોકો ડેન્માર્કની રાજધાની કોપનહેગન સમકક્ષ ઠંડી અનુભવી રહ્યા છે. નલિયાની આજની ઠંડી યુરોપના રોમથી પણ વધુ નોંધાઈ છે. સીમાવર્તી ગામોમાં ઠંડીનું પ્રમાણ આથી પણ વિશેષ હોવાનું નલિયાના લોકો જણાવી રહ્યા છે. હવામાન ખાતાંએ ઠંડીનું પ્રમાણ હજુ વધવાની આગાહી કરી છે.