પોક્સોનાં ચકચારી કેસમાં નખત્રાણાના યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદ

ભુજઃ એક સગીર વયની કન્યાને ડરાવી-ધમકાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં નખત્રાણાના સુરલભિટ્ટ વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય મોહન રતનશી કોળી નામના આરોપીને અહીંની ખાસ અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
નામદાર અદાલતે આ મહત્વના ચુકાદામાં નરાધમને ૫૫ હજાર રૂપિયાના દંડ અને ચાર લાખ રૂપિયા વળતર પેટે ભોગ બનનારને ચૂકવવા આદેશ કર્યો હતો, તો ભોગ બનનારનું જીવન અને શિક્ષણ સારી રીતે પુન: સ્થાપિત થાય તેવો હુકમ પણ કરાયો હતો.
આપણ વાંચો: કાયદો અને વ્યવસ્થાને સીધો પડકાર! સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓએ કાઢ્યું વિજય સરઘસ, વીડિયો વાયરલ…
જે-તે સમયે રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સાની પૂર્વ વિગતો એવી છે કે, એક ૧૬ વર્ષની કન્યાને ડરાવી ધમકાવીને અપહરણ કરાયું હતું.
બ્લેકમેલિંગ થકી આ આરોપી દ્વારા અનેક વખત વિવિધ જગ્યાઓએ દુષ્કર્મ આચરાયું હતું. જુલાઈ ૨૦૨૪માં આ સમગ્ર મામલા બાબતે પીડિતાના પરિવાર દ્વારા ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ગત જુલાઈ ૨૦૨૪માં દાખલ થયેલા પોક્સોધારા સાથેના આ દુષ્કર્મ કેસની સુનાવણી અત્રેની ખાસ અદાલત સમક્ષ ન્યાયાધીશ જે.એ. ઠક્કર સમક્ષ થઈ હતી.
તેમણે બંને પક્ષની દલીલો સાંભળી, બાવીસ દસ્તાવેજી પુરાવા અને છ સાક્ષીને તપાસવા સાથે આરોપી મોહન કોળીને તક્સીરવાન ઠેરવી તેને કેદ સાથે દંડ અને વળતર માટેનો આ ચુકાદો આપ્યો હતો.
આપણ વાંચો: માતાને ત્રાસ આપનારી દાદી સાથે દુષ્કર્મ કરી હત્યા: પૌત્રની ધરપકડ
ન્યાયાધીશ ઠક્કરે તેમના આ ચુકાદામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૫૧ (૧) (૨) મુજબ એક વર્ષની સખત કેદ અને પાંચ હજાર રૂપિયા દંડ તથા પોક્સોની કલમ છ મુજબ ૨૦ વર્ષની સખત કેદ અને ૫૦ હજાર રૂપિયા દંડની સજા સંભળાવી હતી.
પાંચ હજારનો દંડ ન ભરાય, તો વધુ એક મહિનો સાદી કેદમાં અને ૫૦ હજારનો દંડ પીડિતાને અદા કરવામાં ન આવે તો વધુ એક વર્ષ સાદી કેદમાં આરોપીને રાખવાનો અને ભોગ બનનારને ચાર લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવામાં આવે તેવો ડી.એલ.એસ.એ. સમક્ષ આદેશ કર્યો હતો.
કેસની સુનાવણીમાં સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી.જાડેજા હાજર રહ્યા હતા, જ્યારે કેસના ફરિયાદ પક્ષના વકીલ તરીકે ડી.એન. બારોટ હાજર રહ્યા હતા.