કચ્છ યુનિવર્સિટીમાંથી મુસ્લિમ યુવતીએ સંસ્કૃતમાં પીએચડી કર્યું, જાણો પ્રેરણાદાયક સફર | મુંબઈ સમાચાર
ભુજ

કચ્છ યુનિવર્સિટીમાંથી મુસ્લિમ યુવતીએ સંસ્કૃતમાં પીએચડી કર્યું, જાણો પ્રેરણાદાયક સફર

ભુજઃ જ્યારે પ્રાચીન ભાષા સંસ્કૃત અને આધુનિક શિક્ષણનો સમન્વય થાય ત્યારે નવા ઈતિહાસનું સર્જન થાય છે. એવું જ કઈક કરી બતાવ્યું છે કચ્છ યુનિવર્સિટીની એક મુસ્લિમ વિદ્યાર્થિની યાસ્મીન હારૂન માંજોઠીએ. યાસ્મીને સંસ્કૃત ભાષામાં પીએચડી પૂર્ણ કરીને શ્રીરામકિર્તી મહાકાવ્ય પર એક રિસર્ચ નિબંધ તૈયાર કર્યો છે. સામાન્ય રીતે Ph.D તો ઘણા વિદ્યાર્થી કરવાની પસંદ કરતા હોય છે, પરંતુ તે લોકો ગુજરાતી અંગ્રેજી કે હિન્દી માધ્યમને કેન્દ્ર રાખી Ph.D કરવાનું પસંદ કરતા હોય છે. જ્યારે કચ્છ યુનિવર્સિટીની મુસ્લિમ વિદ્યાર્થિની સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપીને પ્રથમ ભાષા પ્રેમ વિદ્યાર્થી જોવા મળી. તેને શ્રીરામકિર્તી મહાકાવ્ય થાઈલેન્ડની રામાયણ પર આધારિત બનાવ્યું છે, જેનું સંસ્કૃતમાં રૂપાંતર પ્રખ્યાત સંસ્કૃતવિદ ડૉ. સત્યવ્રત શાસ્ત્રીએ કર્યું હતું છે. યાસ્મીનની આ સિદ્ધિ ન માત્ર શૈક્ષણિક ક્ષેત્રે પ્રેરણાદાયી છે, પરંતુ સાંસ્કૃતિક સમન્વયનું પણ ઉદાહરણ બની છે.

યાસ્મીનની શૈક્ષણિક સફર

કચ્છના ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં તાજેતરના કોન્વોકેશન સમારોહમાં યાસ્મીન હારૂન માંજોઠીને સંસ્કૃત વિષયમાં પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી. તેણે યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પંકજ ઠાકરના માર્ગદર્શન હેઠળ 450 પાનાનો વિશદ રિસર્ચ નિબંધ તૈયાર કર્યો છે, જે શ્રીરામકિર્તી મહાકાવ્ય પર આધારિત છે. આ મહાકાવ્ય થાઈ રામાયણ પરથી સંસ્કૃતમાં રચાયેલું છે, જેમાં 700 શ્લોકનો સમાવેશ થાય છે અને ભારતીય વાલ્મિકી રામાયણથી અલગ કેટલાક પાત્રો અને ઘટનાઓ દર્શાવે છે.

યાસ્મીનનો સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ

યાસ્મીન, જે મુંદ્રા તાલુકાના વડાલા ગામની વતની છે, તેને ધોરણ 11-12થી જ સંસ્કૃત પ્રત્યે ખૂબ લગાવ હતો. તેણે કચ્છ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. અને એમ.એ. પૂર્ણ કર્યું. શરૂઆતમાં તે ભગવદ્ ગીતા પર રિસર્ચ નિબંધ લખવા માગતી હતી. પરંતુ પોતાના ગાઈડની સાથે વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ તેણે શ્રીરામકિર્તી મહાકાવ્ય પસંદ કર્યું. આ મહાકાવ્ય ડૉ. સત્યવ્રત શાસ્ત્રીએ થાઈલેન્ડમાં દસ વર્ષ રહીને થાઈ રામાયણનો અભ્યાસ કરીને રચ્યું હતું, જેમાં હનુમાનજીને બ્રહ્મચારી નહીં, પરંતુ પરિણીત અને સંતાનવાળા બતાવવામાં આવ્યા હતા.

સમાજ અને પરિવારનું સન્માન

યાસ્મીન હાલમાં મુંદ્રાની વડાલા સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8ની મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તે કહે છે કે તેના માંજોઠી સમાજમાં સંસ્કૃતમાં પીએચડી કરનાર તે પ્રથમ વ્યક્તિ છે. તેના માતા-પિતા ઓછું ભણેલા હોવા છતાં, તેમણે યાસ્મીનના સંસ્કૃત અભ્યાસને પૂરો ટેકો આપ્યો અને તેની સિદ્ધિ પર ગર્વ અનુભવ્યો. યાસ્મીનના પતિ અને સમાજે પણ આ ઉપલબ્ધિ બદલ તેનું સન્માન કર્યું, જે તેના માટે પ્રેરણાદાયી રહ્યું.

આપણ વાંચો : રેલવેએ ભુજનો આ રૂટ બંધ કરી દેતા સેંકડો લોકોને પરેશાની

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button