ભુજ

કચ્છના સુપ્રસિદ્ધ નારાયણ સરોવર પાસે બનશે રિસર્ચ સેન્ટર

ભુજઃ ગ્લોબલ વોર્મિંગ સામે ઢાલ બનીને વાતાવરણના રક્ષણ માટે મહત્વનું યોગદાન આપનારા ચેરના જંગલોનો વિશાળ વિસ્તાર સમગ્ર ગુજરાતમાં એકમાત્ર કચ્છ અને કચ્છના અખાતમાં આવેલો છે, ત્યારે આ ચેરિયાનાં સંરક્ષણ અને સંવર્ધન માટે વૈજ્ઞાનિક ઢબે પહેલ કરવામાં આવે એ હેતુથી જાપાનની એજન્સીએ આ રણપ્રદેશમાં આવેલા પવિત્ર તીર્થધામ એવા નારાયણ સરોવરની પસંદગી કરી છે અને આગામી સમયમાં ગુજરાતમાં પ્રથમ મેન્ગ્રુવ રિસર્ચ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવાયો છે.

અફાટ સમુદ્ર વચ્ચે ચેરિયાના સંવર્ધન સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં કચ્છની પ્રવાસન સર્કિટમાં સમાવેશ કરી ખાસ બોટમાં પર્યટકોને લઇ જવાની યોજના છે ત્યારે કાંઠા પર પણ અભ્યાસ કેન્દ્ર બને તેવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. કચ્છના કોરીક્રિક વિસ્તારમાં પડાણાબેર પર પશ્ચિમ વન વિભાગ દ્વારા ચેર સંવર્ધન કેન્દ્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે, જયારે નારાયણ સરોવર વિસ્તારમાં ગીર જેવા સફારી માર્ગ બનાવવાનાં કાર્યની શરૂઆત થઇ ચૂકી છે. કચ્છના જગવિખ્યાત પ્રવાસનને વેગ આપવા માટે જાપાનની સંસ્થા આગળ આવી હોવાનું પશ્ચિમ વન વિભાગના ડી.એફ.ઓ. યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું.


તેઓના જણાવ્યા પ્રમાણે, વિવિધ પ્રકારની ભૌગોલિક સ્થિતિ ધરાવનારા કચ્છના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં આવેલાં મેન્ગ્રુવનાં ગાઢ જંગલ પર્યાવરણ, જૈવ વૈવિધ્ય અને આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. ગુજરાતમાં મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચેરનાં જંગલો જોવા મળે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ બાદ ગુજરાતમાં સૌથી વધુ આવરણ આવેલું છે, જ્યારે ગુજરાતમાં જંગલોનો સૌથી મોટો વિસ્તાર કચ્છ જિલ્લામાં તથા કચ્છના અખાતમાં આવેલો છે. કચ્છના અખાત તેમજ કચ્છ જિલ્લામાં મુખ્યત્વે એવિશિનિયા મરીનાનાં જંગલો આવેલાં જોવા મળે છે. ચેરિયા કાર્બનને શોષી લેવામાં અને સંગ્રહિત કરવામાં ખૂબ અસરકારક છે, જે વૈશ્વિક સમસ્યા બનેલાં ગ્લોબલ વોર્મિંગથી લડવા માટે મદદરૂપ થાય છે. તે અન્ય જંગલો કરતાં ચાર ગણો વધુ કાર્બન સંગ્રહ કરે છે.

આ પણ વાંચો: કચ્છમાં આવેલા મરિન નેશનલ પાર્કના પિરોટન ટાપુ નજીક ડોલ્ફીનનો જમાવડો

મેન્ગ્રુવ ત્સુનામી, ચક્રવાત અને સમુદ્રી લહેરો સામે રક્ષણ આપે છે તેમજ દરિયા કિનારાના વિસ્તારોને ધોવાણ થતા અટકાવે છે અને દરિયાઈ વિસ્તારમાં ક્ષારને નિયંત્રણમાં પણ રાખે છે. ઝીંગા, સીપી-શંખ અને નાની સમુદ્રી જીવસૃષ્ટિ માટે રહેઠાણ પૂરું પાડે છે, તેઓના માટે ખોરાક તરીકે ઉપયોગી છે. જે દરિયાકાંઠાના સમુદાયો માટે આવક અને ખોરાકનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત પૂરો પાડે છે, પાણીમાં રહેલાં પ્રદૂષકો અને પોષક તત્વોના શુદ્ધિકરણ કરવામાં મદદ કરે છે, પાણીની ગુણવત્તામાં સુધારો કરે છે અને સ્વસ્થ ઇકો સિસ્ટમને સ્થાપવામાં મદદરૂપ થાય છે. કચ્છ જિલ્લામાં જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી પુરસ્કૃત યોજના દ્વારા પ્રોજેક્ટ ફોર ઇકો સિસ્ટમ રેસ્ટોરેશન ઇન ગુજરાત થકી લખપત તાલુકનાં નારાયણ સરોવર ખાતે આધુનિક મેન્ગ્રુવ રિસર્ચ સેન્ટર બનાવવાનું આયોજન છે.

આ રિસર્ચ સેન્ટરમાં કચ્છ તથા કચ્છના અખાતમાં આવેલાં ચેરનાં જંગલોની ઈકોલોજી ઉપર વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો હાથ ધરવામાં આવશે. આ વૈજ્ઞાનિક સંશોધન વનનાં સંરક્ષણ અને સંવર્ધન માટે વૈજ્ઞાનિક આધાર બનીને મદદરૂપ થશે. પ્રોજેક્ટ હેઠળ ચેરિયાના અનુકૂળ વિસ્તારો ચકાસવા માટે ભૌગોલિક માહિતી યંત્રણા (જી.આઇ.એસ.) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિસ્તારનું માપિંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મેન્ગ્રુવના વિકાસ માટે ખૂબ જ જરૂરી ભરતીવાળાં પાણીના આવન જાવન બાબતે અભ્યાસ હાથ ધરીને મેન્ગ્રુવનાં સંરક્ષણ માટે વૈજ્ઞાનિક ઢબની પહેલ શરૂ કરવામાં આવશે.

મેન્ગ્રુવ સાથે સંલગ્ન અન્ય બાબતો જેવી કે, કાર્બન સંગ્રહણ ક્ષમતા, વિવિધ પ્રજાતિ, સંલગ્ન વનસ્પતિ સૃષ્ટિ તથા પ્રાણીસૃષ્ટિ સંદર્ભે પણ સંશોધનની કામગીરી હાથ ધરવામાં આવશે. ચેરને લગતા નવાં સંશોધનો માટે વિદ્યાર્થીઓને એક યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે. રિસર્ચ સેન્ટર મેન્ગ્રુવ સંરક્ષણ અને પુન:સ્થાપન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો આશાવાદ ઝાલાએ વ્યક્ત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button