નલિયા બન્યું ‘મિની કાશ્મીર’: કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા નોંધાયું સિંગલ ડિજિટમાં તાપમાન

હવામાન વિભાગે કરી કચ્છમાં કોલ્ડવેવની આગાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: વર્ષ 2026ની શરૂઆત સાથે ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરના ડોડા, પુંછ, પહલગામ, ગુલમર્ગ અને બનિહાલ સહિતના વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. જેના ઠંડા પવનોના કારણે ઠંડીએ કચ્છમાં પડાવ નાખ્યો છે. પરિણામે આજે નલિયાનું તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે.
નલિયાનો વર્ષો જૂનો રેકોર્ડ યથાવત
આજે કચ્છના કાશ્મીર નલિયાએ સિંગલ ડિજિટ 9 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યના સૌથી ઠંડા મથક બનવાનો વર્ષો જૂનો રેકોર્ડ જાળવી રાખતાં અહીં હરિયાણાના કરનાલ,રોહતક અને હિસ્સાર તેમજ રાજસ્થાનના ચુરુ અને સીકર જેવી ઠંડી અનુભવાઈ રહી છે.તેવી જ રીતે રાજનગર ભુજમાં પણ આજે લઘુતમ તાપમાનનો આંક 10 ડિગ્રી સે.જેટલું રહેવા પામ્યો છે. અધૂરામાં પૂરું મહત્તમ તાપમાન ભરબપોરે પણ 24થી 26 ડિગ્રી સે.વચ્ચે રહેતાં લોકોને દિવસભર ગરમ વસ્ત્રોમાં લપેટાઈ રહેવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવ જારી રહેશે
શિયાળાને પગલે સૂર્યાસ્ત વહેલો થઈ જતો હોઈ ગ્રામીણ વિસ્તારોમાં સાત વાગ્યા બાદ સ્વયંભૂ કર્ફયુ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. મૂંગા પશુઓ પણ ઠારથી રક્ષણ મેળવવા સુરક્ષિત આશ્રય સ્થાનો શોધી લેતા હોવાને કારણે સવાર સુધી રસ્તાઓ પર કોઈ જાતની ચહલપહલ જોવા મળતી નથી.
ઉલ્લેખનીય છે કે, કંડલા, ગાંધીધામ, અંજાર, માંડવી, રણકાંધીના ખાવડા,લખપત સહિતના અન્ય મથકોમાં પણ લઘુતમ તાપમાનનો આંક 12થી 15 ડિગ્રી સે.ની વચ્ચે નોંધાયો છે. જેથી કચ્છવાસીઓને ગરમાવો મેળવવા માટે તાપણું પડતું મુકી ઘરમાં ગોદડા-ધાબળામાં લપેટાઈ રહેવાની નોબત આવી છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવ જારી રહેશે, એવી હવામાન વિભાગે આગાહી કરી છે.



