વૃક્ષ પ્રેમીઓ અને શ્રદ્ધાળુઓની જીત: માંડવીમાં ૧૫૦ વર્ષ જૂના પીપળાનું છેદન કરનારા ૪ શખ્સોને શું થઈ સજા?

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ માંડવી શહેરમાં આવેલા અંદાજે ૧૫૦ વર્ષ પુરાણા પીપળાના ઘેઘુર વૃક્ષના ગેરકાયદેસર છેદન કરવા બદલ, મામલતદારની અદાલત દ્વારા સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા–૧૯૫૧ના ભંગ બદલ ચાર જણને રૂ. ૧૦૦૦નો દંડ તથા ફરજિયાત બે ગણા વૃક્ષારોપણનો હુકમ કરવામાં આવ્યો હતો.
શું છે મામલો?
આ અંગે માંડવીના કે.ટી. શાહ રોડ પર રહેતા વીરેન ઝવેરીલાલ શાહ દ્વારા મામલતદાર કોર્ટ સમક્ષ દાખલ કરેલી ફરિયાદ મુજબ, ભંડારીવાળી ડેલી, મંછાદેવી મંદિર સામે આવેલા વિસ્તારમાં ૧૫૦ વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ નગરપાલિકાની મર્યાદિત મંજૂરી હોવા છતાં સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યું હતું.
કોર્ટ સમક્ષ માંડવી નગરપાલિકાનો પત્ર, મામલતદાર કચેરીના રોજકામ, તથા સ્થળની તસ્વીરો સહિતના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આરોપીઓએ ગેરકાયદેસર રીતે ફરિયાદીની મિલ્કતમાં પ્રવેશ કરી આખું વૃક્ષ છેદન કરીને લાકડાનું વેચાણ પણ કર્યું હતું, જેના કારણે મિલ્કતને નુકશાન પહોંચ્યું હતું.
સંજય દેવજી મહેતા, જીતેન્દ્ર દેવજી મહેતા, પ્રતિક જીતેન મહેતા અને ભરતભાઈ દેવજીભાઈ મહેતા દ્વારા દલીલ કરવામાં આવી હતી કે વૃક્ષ જોખમરૂપ હોવાથી માત્ર નડતરરૂપ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવ્યું છે અને વૃક્ષ કે લાકડાનું વેચાણ કરવામાં આવ્યું નથી.
કોર્ટ સમક્ષ સર્કલ ઓફિસર દ્વારા કરાયેલા પંચનામા તથા નગરપાલિકાના પત્રની તપાસ પરથી સ્પષ્ટ થયું હતું કે, પીપળાનું વૃક્ષ માત્ર ટ્રીમીંગ નહીં પરંતુ સંપૂર્ણપણે છેદન કરવામાં આવ્યું છે, જે સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા–૧૯૫૧નો સ્પષ્ટપણે ભંગ છે. મામલતદાર પી. એ. જેઠવા દ્વારા સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા–૧૯૫૧ની કલમ ૩(૧) (ખ) હેઠળ આરોપીઓને રૂ.૧૦૦૦/- દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ કાપેલા વૃક્ષના બદલે બે ગણા વૃક્ષો વાવી તેમનો યોગ્ય ઉછેર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો દંડની રકમ ૭ દિવસમાં ભરપાઈ ન થાય તો મિલ્કત પર બોજા તરીકે દાખલ કરવાની કાર્યવાહી કરાશે.



