પુરાતન નગરી ધોળાવીરામાં ભેજમાંથી પીવાનું શુદ્ધ પાણી બનાવતાં મશીન મૂકાયા | મુંબઈ સમાચાર

પુરાતન નગરી ધોળાવીરામાં ભેજમાંથી પીવાનું શુદ્ધ પાણી બનાવતાં મશીન મૂકાયા

ભુજ: નાપાક પાકિસ્તાનને અડીને આવેલી ભારતની અફાટ રણમાં સ્થિત ૪૨ કિલોમીટર લાંબી ઝીરો લાઈન પર આવેલાં અને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરેલા પ્રાચીન નગર ધોળાવીરામાં ૧૮૦૦થી ૨૦૦૦ ટીડીએસ વાળા પીવાના પાણીની ટેવાયેલા ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી હવામાં રહેલા ભેજમાંથી પાણી બનાવતા અને દૈનિક ૧૦૦૦ લીટર પાણી બનાવતા બે હાઇટેક વોટર મશીન મૂકવામાં આવ્યાં છે.

આ અત્યાધુનિક મશીન થકી તમામ પ્રકારના વીટામિન- મીનરલવાળુ શુધ્ધ પીવાલાયક પાણી મળી રહે છે. પાણીમાં ટોટલ ડિસોલ્ડ સોલિડ્સ (ટીડીએસ)ની માત્રાનું પ્રમાણ વધારે હોય તો સ્વાસ્થ્ય સંબંધિત જેવી કે પાચન, હૃદય અને કિડનીની સમસ્યાઓ થઈ શકે છે.

આ હેરિટેજ સિટીમાં નર્મદાનું પાણી કમભાગ્યે આજદિન સુધી પહોંચ્યુ ન હોવાથી ગ્રામજનો પાંચ-સાત કિલોમીટર દૂર આવેલા તળાવો પર નિર્ભર રહેતા હતા. સારા વરસાદમાં ગામના તળાવો ભરાય ત્યારે ઓછું ટીડીએસવાળું પાણી મળે પણ ઉનાળા, શિયાળામાં ગામના બોરવેલમાં જોખમી ટીડીએસ વાળુ પાણી પીવા મજબુર થવું પડતું હતું.

નવા મૂકાયેલા મશીનોની આ ટેકનોલોજી હવાને શુદ્ધ કરવા માટે ફિલ્ટર્સની શ્રેણીનો ઉપયોગ કરે છે. હવાને શોષી લીધા પછી અને તેમાં રહેલો ભેજ કાઢવા માટે ઠંડુ કરી, જે પાણી બને છે તેને ટ્રીટ કરવામાં આવે છે અને સ્વચ્છ પીવાના પાણીમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

આ અંગે ધોળાવીરા ગામના સરપંચ ઝીલુભા સોઢાએ જણાવ્યું હતું કે, ગાંધીધામમાં ફરજ બજાવી રહેલા કેન્દ્રના એક અધિકારી ફરવા માટે આવ્યા હતા.

અહીં પુરાતન નગરી નિહાળીને ગ્રામીણોને મળ્યા અને પીવાના પાણી અંગે પડી રહેલી તકલીફ અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ આ અધિકારીએ કચ્છમાં કાર્યરત કેટલીક ખાનગી કંપનીઓને ભલામણ કરતા તેમના સીએસઆર ફંડમાંથી મુંબઇની એક કંપની પાસેથી ૨૫ લાખની કિંમતના બે એર વોટર મશીન ગામમાં લગાવી દીધા છે. જાળવણીના ખર્ચ માટે આગામી સમયમાં ગ્રામજનો પાસેથી ૨૦ લીટર પાણીના રૂ.૧૦ જેટલા રૂપિયા લેવાશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો…વરસાદ બાદ ખેડૂતો લાગ્યા કામેઃ કચ્છમાં 70 ટકા જેટલું વાવણીનું કામ પૂરું

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button