ભુજ

કચ્છમાં ગણતરીના કલાકોમાં બે કરોડ કરતા પણ વધારે કિંમતનો દારૂ ઝડપાયો

ભુજ: ગુજરાતની દારૂબંધી વારંવાર પોકળ અને હાંસીને પાત્ર સાબિત થાય છે કારણ કે અહીંથી છાશવારે નહીં લગભગ રોજ દારૂની બોટલો નાના કે મોટા જથ્થામાં મળી આવતી હોય છે. આવી જ ઘટના કચ્છ અને આસપાસમાં બની છે. અહીં બનેલી બે અલગ અલગ ઘટનાઓમાં અનુક્રમે 87 લાખ અને 1.31 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો છે.

પહેલી ઘટનામાં પંજાબથી મુંદરા શરાબ પહોંચાડવા આવી રહેલી બલ્કર ટ્રકને વઢવાણ પાસેથી ઝડપીને ૧.૩૧ કરોડનો શરાબનો જથ્થો પકડી પાડ્યા બાદ ટુરિસ્ટ હોટપોટ સમાન બંદરીય માંડવીના ત્રગડી ખાતે દરોડો પાડીને ૮૩.૭૮ લાખનો શરાબ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

આ કાર્યવાહી અંગે જાણવા મળેલી વિગતો મુજબ, ત્રગડીમાં રહેનારો લિસ્ટેડ બૂટલેગર યુવરાજ વજુભા જાડેજા તેના સાગરીત દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા, રોહિતસિંહ કેશુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા વગેરે સાથે મળી અન્ય રાજ્યોમાંથી માલવાહક વાહનોમાં સામાનની આડમાં મંગાવેલા શરાબના જથ્થાને સ્થાનિકે છૂટક વેચાણ કરતો હોવા અંગે મળેલા ઈન્પુટના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. પટેલના માર્ગદર્શનમાં ટુકડીએ ત્રગડીમાં દરોડો પાડ્યો હતો. એસએમસીની ટુકડીને જોઈ કટિંગ કરી રહેલા કેટલાક બૂટલેગરો મુઠી વાળીને નાસી છૂટ્યાં હતાં.

દરોડા દરમ્યાન રોહિતસિંહ જાડેજા અને મેહુલસિંહ ચંદુભા ઝાલાના રહેણાંક મકાનો, મકાનો સામે આવેલી સોસાયટી તેમજ વાહનોમાંથી ૮૩.૭૮ લાખના શરાબ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે.

બનાવ સ્થળ પરથી ૩૭.૫૦ લાખના દારૂ ભરેલાં વિવિધ વાહનો અને ૨૫ હજાર ૫૦૦ની કિંમતના ચાર મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧ કરોડ ૨૧ લાખ ૫૪ હજાર ૨૨૯ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. એસએમસીએ યુવરાજ અને તેના સાગરીતો સાથે જપ્ત થયેલાં મળી વાહનોના માલિકો યા. ડ્રાઈવરો, દારૂનો જથ્થો મોકલનાર વગેરે મળી નાસી ગયેલાં ૧૬ લોકો સામે માંડવી મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું એ.વી. પટેલે જણાવ્યું હતું.

પંજાબથી મુંદરા આવતી બલ્કર ટ્રકમાંથી ૧.૩૧ કરોડનો ઈંગ્લિશ દારૂ ઝડપાયો
પંજાબથી અંગ્રેજી દારૂના જથ્થાને કચ્છના મુંદરામાં આપવા આવી રહેલી બલ્કર ટ્રકને સુરેન્દ્રનગરના વઢવાણ પાસે ઝડપીને સ્ટેટ મોનિટરીંગ સેલે ૧ કરોડ ૩૧ લાખ ૧૪ હજારના શરાબનો જંગી જથ્થો જપ્ત કરી લેતાં ચકચાર પ્રસરી છે.
પૂર્વ બાતમીના આધારે ગાંધીનગરથી આવેલી એસએમસીની ટુકડીએ ગત મધરાત્રે અમદાવાદ-રાજકોટ ધોરીમાર્ગ પર સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે વૉચ ગોઠવી હતી.

આ દરમ્યાન બાતમી મુજબની બગોદરાથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બલ્કર ટ્રક પેટ્રોલ પંપ પર ડિઝલ ભરાવવા ગઈ ત્યારે આ તુમડીએ ડ્રાઈવરને દબોચી લીધો હતો અને આગવીઢબે પૂછપરછ કરતાં તેણે ટ્રકમાં શરાબનો જથ્થો ભરેલો હોવાનું કબૂલ્યું હતું. આ ટ્રક ખાલી કરાતાં અંદરથી વિવિધ કંપનીની ૨૪ હજાર ૬૩૦ જેટલી દારૂની બાટલીઓ નીકળી પડી હતી જેની કિંમત ૧ કરોડ ૩૧ લાખ ૧૪ હજાર અંકાઈ હતી.

ટ્રકના ડ્રાઈવર ચુતરારામ જાટ અને ક્લિનર રહેલા તેના ભાણિયા માંગીલાલ (બંને રહે બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે અનિલ પંડ્યા નામના વ્યક્તિ માટે દારૂની ખેપ મારવાનું કામ કરે છે. આ અગાઉ તે બે વખત મુંદરા ખાતે દારૂની સ્ફળતાપૂર્વ ખેપ મારી ચૂક્યો છે અને આ ત્રીજી ખેપ હતી. અનિલ પંડ્યાની સૂચના મુજબ પંજાબથી અજાણ્યો શખ્સ ગાડીમાં માલ ભરીને તેને આપી ગયો, બાદમાં તે આ ટ્રક લઈને આગ્રા, દિલ્હી, છોટા ઉદેપુર, વડોદરા થઈ બગોદરાના માર્ગે મુંદરા તરફ જતો હતો. પંડ્યા તેને સફળ ખેપની અવેજમાં એક લાખ રૂપિયા આપતો હતો જેમાં ભાણિયા માંગીલાલને પંદર હજાર મહેનતાણું આપવાનું કહીને ક્લિનર તરીકે સાથે લાવ્યો હતો. મુંદરા પહોંચ્યા બાદ અજાણ્યો શખ્સ દારૂ ભરેલું વાહન લઈ જતો અને ખાલી કરી તેને પરત આપી જતો હતો.

એસએમસીએ શરાબ ઉપરાંત ૩૦ લાખની ટ્રક, બે ફોન, અંગઝડતીમાંથી મળેલા ૨૧૧૦ રોકડાં રૂપિયા મળી કુલ ૧ કરોડ ૬૧ લાખ ૨૬ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને ઉપરાંત અનિલ પંડ્યા, પંજાબમાં દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સ, મુંદરામાં દારૂની ડિલિવરી લેનારા અજાણ્યા બૂટલેગર સહિત છ આરોપીઓ સામે જોરાવરનગર પોલીસ મથકે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ તળે ગુનો નોંધાવ્યો છે.

આ પણ વાંચો…અમદાવાદના બોપલમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરા ઝડપાયા, પોલીસ ત્રાટકતાં જ ઉડી ગયા હોશ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button